આઇસીસી અવૉર્ડના દાવેદારોમાં કયા બે ભારતીય ખેલાડીઓના પણ નામ છે?
નવેમ્બરમાં ઘરઆંગણે વન-ડેનો વર્લ્ડ કપ હારી ગયા, પણ આપણા ખેલાડીઓના ભાગ્ય તો સતત ચમકતા જ રહે છે. આઇપીએલ પહેલાંની અમુક આંતરરાષ્ટ્રીય મૅચ ગુમાવવી પડે તો ભલે એ અલગ વાત છે, પરંતુ ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય ટી-20 ટુર્નામેન્ટમાં રમવા તેઓ 100 ટકા ફિટ રહેવા મક્કમ હોય છે.
2024ના વર્ષની હજી શરૂઆત થઈ છે એટલે એમાંના પર્ફોર્મન્સનો તો હજી સવાલ જ નથી, પણ 2023ના દેખાવ અત્યારે જરૂર ગણતરીમાં લેવાઈ રહ્યો છે. જુઓને, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ તમામ ખેલાડીઓને ગયા વર્ષના પર્ફોર્મન્સને ખાસ ધ્યાનમાં લીધો છે એમાં આપણા વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા પણ છે. ક્રિકેટર ઑફ ધ યરના અવૉર્ડ માટે આઇસીસીએ જે નૉમિનીઓનું લિસ્ટ બહાર પાડ્યું છે એમાં કોહલી અને જાડેજા તેમ જ ઑસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ ફાઇનલના સુપરસ્ટાર ટ્રેવિસ હેડ અને વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન પૅટ કમિન્સનો સમાવેશ છે.
આ પુરસ્કાર જીતનારને સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી એનાયત કરાશે. કોહલી અને જાડેજાએ 2023માં વન-ડે ઉપરાંત ટેસ્ટમાં પણ સારું પર્ફોર્મ કર્યું હતું. કોહલીએ 2023ની સાલમાં 35 મૅચમાં 2048 રન બનાવ્યા હતા જેમાં આઠ સેન્ચુરી અને દસ હાફ સેન્ચુરી સામેલ હતી. 2023ની સાલમાં જાડેજાએ તમામ બોલરોમાં હાઇએસ્ટ 66 વિકેટ લીધી હતી. તેણે 613 રન પણ બનાવ્યા હતા.
દરમ્યાન, વન-ડે ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ માટેના દાવેદારોમાં ગિલ, શમી અને કોહલી પણ છે, જ્યારે આર. અશ્વિન ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરના પુરસ્કાર માટે, યશસ્વી જયસ્વાલ તથા ન્યૂ ઝીલૅન્ડનો રાચિન રવીન્દ્ર ઇમર્જિંગ પ્લેયરના અવૉર્ડ માટે અને સૂર્યકુમાર યાદવ તેમ જ યુગાન્ડાનો કચ્છી ક્રિકેટર અલ્પેશ રામજિયાણી ટી-20 ક્રિકેટર ઑફ ધ યરના પુરસ્કાર માટેની રેસમાં છે.