ગુજરાત જાયન્ટ્સની આ ઑસ્ટ્રેલિયનનો કયો શોટ મોસ્ટ ફેવરિટ છે?
મુંબઈ: હરમનપ્રીત કૌરના સુકાનમાં આપણી મહિલા ટીમનો આ અઠવાડિયે વાનખેડે સ્ટેડિયમમાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયાની ૨૦ વર્ષની લેફ્ટ-હેન્ડ બેટર ફોબે લિચફીલ્ડને કારણે જ ૦-૩થી વ્હાઇટ વોશ થયો, પરંતુ લખી રાખજો, આ જ સ્ટાઇલિશ બેટરની બે મહિના પછી આપણી જ ધરતી પર વાહ-વાહ થતી હશે.
વાત એવી છે કે મંગળવારે વાનખેડેમાં પ્લેયર ઑફ ધ મેચ લિચફીલ્ડના ૧૧૯ રનને કારણે આપણી ટીમ ત્રીજી અને છેલ્લી વન-ડે હારી ગઈ એટલું જ નહીં, આખી સિરીઝમાં બનાવેલા કુલ ૨૬૦ રન બદલ તે પ્લેયર ઑફ ધ સિરીઝનો અવોર્ડ પણ જીતી હતી. ૨૦૨૪ની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) માટે લિચફીલ્ડને ગુજરાત જાયન્ટ્સે એક કરોડ રૂપિયામાં મેળવી છે અને હાલનું તેનું ફોર્મ જોતાં તે ડબ્લ્યુપીએલની મેચોમાં સ્ટેડિયમ ગજાવશે એમાં કોઈ શંકા નથી.
ગયા મહિને વાનખેડેમાં જ ઑસ્ટ્રેલિયાની ટીમ ભારત સામેની એકમાત્ર ટેસ્ટ-મેચ હારી ગઈ હતી અને એમાં લિચફીલ્ડ બન્ને દાવમાં સારું નહોતી રમી શકી. જોકે એમાં તેને જે એક અખતરો કર્યો હતો એનાથી ખુશ હતી. લિચફીલ્ડે એ ટેસ્ટમાં રિવર્સ-સ્વીપ શોટ સફળતાથી અજમાવ્યો હતો અને મંગળવારે પૂરી થયેલી વન-ડે શ્રેણીમાં તેણે એ શોટ વારંવાર રમીને એમાં માહિર બની ગઈ. તે સિરીઝમાં ૧૨ વખત રિવર્સ-સ્વીપ શોટ માર્યો હતો અને એમાં કુલ બાવીસ રન બનાવ્યા હતા. તેની કેપ્ટન અલીઝા હીલી પણ એટલી વાર રિવર્સ-સ્વીપ નહોતી મારી શકી. હીલીના ચાર રિવર્સ-સ્વીપ લિચફીલ્ડના બાર શોટ કરતાં ત્રણ ગણા ઓછા હતા.
મેન્સ ક્રિકેટમાં ભાગ્યે જ કોઈ ખેલાડીને રિવર્સ-સ્વીપ શોટ રમવાનું ફાવતું હોય છે, પરંતુ લિચફીલ્ડ આ શોટથી એટલી બધી પ્રભાવિત અને એક્સાઇટેડ છે કે તે કોઈ પણ બોલમાં એ રમી જાણે છે. ખુદ તેણે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે પેસ હોય કે સ્પિન, મને રિવર્સ-સ્વીપ શોટ રમવો ખૂબ ફાવે છે અને આ શોટ દ્વારા હવે હું જે ટીમ વતી રમીશ એને ઘણા રન બનાવી આપીશ.’