ધોની (Dhoni) ઘરે જીતીને આવે કે હારીને, કોણ એકસરખા પ્રેમથી તેનું સ્વાગત કરે?
નવી દિલ્હી: એમએસ ધોની (MS Dhoni) જુલાઈમાં 43 વર્ષનો થશે અને હજી ગયા વર્ષે તેણે ઘૂંટણમાં સર્જરી કરાવી હતી એમ છતાં તેનામાં સિક્સર ફટકારવાની ક્ષમતા, ફિટનેસ તેમ જ રનિંગ-બિટવિન-ધ વિકેટ્સની ચપળતા પહેલા જેવી જ છે અને એ સંબંધમાં તેણે કેટલાક રહસ્યો પરથી પડદો હટાવ્યો છે. એક જાણીતી યૂટ્યુબ ચૅનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં ધોનીએ પોતાને પાળેલા જાનવરનું ખૂબ વળગણ છે એની પણ વાત કરતા કહ્યું છે કે ‘મને નાનપણથી પેટ ઍનિમલ્સ રાખવાનો શોખ છે. શ્ર્વાન કે બિલાડી, મને બન્ને ગમે. જોકે હું ડૉગ વધુ પસંદ કરું છું, કારણકે એ હંમેશાં નિ:શ્ર્વાર્થ પ્રેમ આપ્યા કરે છે. હું ઘરે મૅચ જીતીને પાછો આવું કે હારીને, મારો ડૉગ મને એકસરખા પ્રેમથી મારું સ્વાગત કરે છે.’
ધોનીએ 2019માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે કદાચ છેલ્લી આઇપીએલ રમ્યો છે. તે લીગ રાઉન્ડમાં જ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગયા પછી અપસેટ હતો. તેણે કહ્યું, ‘સૌથી મોટી કઠિન બાબત મારા માટે એ છે કે હું આખું વર્ષ નથી રમતો. એટલે હું પાછો મેદાન પર રમવા આવું ત્યારે મારે એકદમ ફિટ રહેવું પડે છે. મારે ફિટ થઈને આવેલા યુવાનિયાઓ સામે સ્પર્ધામાં ઉતરવું પડે છે. પ્લેયર નાની ઉંમરનો હોય કે મોટી ઉંમરનો, તેણે ફિટ રહીને જ રમવા આવવું પડે છે. તમે શું ખાઓ છો, તમને શું ખાવાની આદત છે અને પ્રૅક્ટિસ કેવી કરો છો એ પણ ખૂબ મહત્ત્વનું છે. હું સોશિયલ મીડિયાથી દૂર રહું છું એટલે એકાગ્રતામાં કોઈ અડચણ નથી આવતી. મને ગાર્ડનમાં કામ કરવાનો તેમ જ બાઇક ચલાવવાનો ખૂબ શોખ છે. હવે હું વિન્ટેજ કારનો ક્રેઝી બની રહ્યો છું. આ બધી બાબતો મને સ્ટ્રેસથી દૂર રાખે છે. હું ગૅરેજમાં જઈને બેસું છું એટલે મન હળવું કરીને પાછો આવું છું.’