સ્પોર્ટસ

ક્યારે મેદાન પર પાછો ફરશે હાર્દિક પંડ્યા? BCCIએ આપ્યો આવો પ્લાન

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે હાલમાં ટીમમાંથી બહાર છે અને હવે ફેન્સ તેમનો આ ફેવરિટ પ્લેયર ક્યારે પીચ પર પાછો ફરશે એની રાહ જોઈ રહ્યા છે. હવે સાઉથ આફ્રિકાની ટૂરમાં કદાચ તે પાછો ફરે એવી પૂરેપૂરી શક્યતા હતી, પરંતુ ટીમમાં તેનું નામ નહોતું આવ્યું. હવે હાર્દિક પંડ્યાના કમબેકને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં BCCIએ હાર્દિક પંડ્યાની ફિટનેસ માટે એક ખાસ પ્લાન બનાવ્યો છે.

BCCIના આ પ્લાન પ્રમાણે હાર્દિક પોતાને પૂરી રીતે ફિટ રાખવા માટે 18 અઠવાડિયા સખત મહેનત કરશે અને ત્યાર બાદ તે માર્ચ મહિનામાં કમબેક કરી શકે છે. હવે આ પ્લાન પરથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે તે હાર્દિક અફઘાનિસ્તાન સામેની T-20 સિરીઝમાં પણ નહીં રમે.

આવતા વર્ષે જૂન મહિનામાં થનારા T-20 વર્લ્ડકપમાં હાર્દિક એક ખૂબ મહત્ત્વનો ખિલાડી સાબિત થઈ શકે છે. ટીમના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માએ 2022માં T-20 બાદ ઈન્ડિયા માટે કોઈ T-20 મેચ નથી રમ્યો. તેની ગેરહાજરીમાં મોટાભાગની મેચમાં હાર્દિકે ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે. એટલે એવું કહી શકાય છે કે હાર્દિક પંડ્યા જ આગામી વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. આ જ કારણે BCCI તેની હેલ્થનું વિશેષ ધ્યાન રાખી રહ્યું છે અને તેની કમબેકમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી કરી રહ્યું.

BCCIએ હાર્દિકના કમબેક માટે 18 અઠવાડિયાનો એક સ્પેશિયલ પ્લાન બનાવ્યો છે. હાર્દિક આ સમયગાળા દરમિયાન એનસીએમાં રહીને પોતાની ફિટનેસ પર કામ કરશે. હાર્દિક જસપ્રીત બુમરાહ, લોકેશ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ માટે પણ BCCIએ આ જ પ્લાન બનાવ્યો છે અને આ ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ થઈને વર્લ્ડકપમાં સૌથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં સામેલ થઈ ગયા હતા એટલે હાર્દિક પંડ્યા માટે પણ હવે આવો જ પ્લાન બનાવવામાં આવ્યો છે.

જોકે, આ પહેલી વખત નથી કે હાર્દિક પંડ્યાને ઈજા પહોંચી હોય. આ પહેલાં પણ તેને ઈજા પહોંચી ચૂકી છે અને સર્જરી કરાવ્યા બાદ હાર્દિકે આઈપીએલથી કમબેક કર્યું હતું અને તેને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે ઈન્ડિયન ટીમમાં પણ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button