ટીમ ઇન્ડિયાની આગામી મૅચ ક્યારે? આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમ સામે થશે મુકાબલો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો ઑસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થઈ ગયો છે અને હવે ભારતીય ક્રિકેટરો ઘરઆંગણે ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા (South Africa) સામે સિરીઝ રમશે.
ઑસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓ વન-ડે સિરીઝ 1-2થી હારી ગયા, પણ ટી-20 શ્રેણીમાં 2-1થી વિજય મેળવ્યો એટલે હવે ટેમ્બા બવુમાની ટેસ્ટ ટીમ સામે રમવા માટે ભારતીય ક્રિકેટરોએ પૂરતો જોશ મેળવી લીધો છે. 2008ની સાલ પછી ભારતીયો ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટી-20 શ્રેણી હાર્યા નથી અને એ પરંપરા સૂર્યકુમાર યાદવ અને તેની ટીમે જાળવી રાખી છે.
સાઉથ આફ્રિકા સામે શુક્રવાર 14મી નવેમ્બરે શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માત્ર બે મૅચની છે અને એમાં જે ભારતીય ખેલાડીઓ રમવાના છે તેમને ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે અને ટી-20 સિરીઝ પછી બહુ ટૂંકો બ્રેક મળ્યો છે.
સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ કોલકાતા (KOLKATA)ના ઈડન ગાર્ડન્સમાં રમાશે. સવારે 9.00 વાગ્યે બન્ને ટીમના સુકાની પોતપોતાની ટીમ-શીટ સાથે ટૉસ માટે મેદાન પર પહોંચી જશે અને 9.30 વાગ્યે મૅચ શરૂ થશે. બીજી ટેસ્ટ બાવીસમી નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે.
સાઉથ આફ્રિકા સામે બે ટેસ્ટ રમાયા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી મેદાન પર જોવા મળશે, કારણકે ત્યારે વન-ડે સિરીઝ રમાવાની છે. ત્રણ વન-ડે રમાયા બાદ સાઉથ આફ્રિકા વિરુદ્ધ પાંચ ટી-20 મૅચની શ્રેણી શરૂ થશે.
ભારત-સાઉથ આફ્રિકાનું ફુલ શેડ્યૂલ
- પ્રથમ ટેસ્ટઃ 14-18 નવેમ્બર, કોલકાતા
- બીજી ટેસ્ટઃ 22-26 નવેમ્બર, ગુવાહાટી
- પ્રથમ વન-ડેઃ 30 નવેમ્બર, રાંચી
- બીજી વન-ડેઃ 3 ડિસેમ્બર, રાયપુર
- ત્રીજી વન-ડેઃ 6 ડિસેમ્બર, વિશાખાપટનમ
- પ્રથમ ટી-20ઃ 9 ડિસેમ્બર, કટક
- બીજી ટી-20ઃ 11 ડિસેમ્બર, મુલ્લાંપુર
- ત્રીજી ટી-20ઃ 14 ડિસેમ્બર, ધરમશાલા
- ચોથી ટી-20ઃ 17 ડિસેમ્બર, લખનઊ
- પાંચમી ટી-20ઃ 19 ડિસેમ્બર, અમદાવાદ
(નોંધઃ બન્ને ટેસ્ટ સવારે 9.30 વાગ્યે શરૂ થશે. ત્રણેય વન-ડેના આરંભનો સમય બપોરે 1.30 વાગ્યાનો છે. પાંચેય ટી-20 મૅચ સાંજે 7.00 વાગ્યે શરૂ થશે.
આપણ વાંચો: ભારતની આ બીજી વર્લ્ડ ચૅમ્પિયન પ્લેયર બની ડેપ્યૂટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ…



