શું વાત છે! ટિમ સાઉધીએ સેહવાગનો જાદુઈ આંકડો પાર કર્યો! જાણો કિવી સ્ટારે શું કર્યું…

બેન્ગલૂરુ: ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ટોચના 10 ખેલાડીઓમાં મોટા ભાગે સ્પેશિયલિસ્ટ બૅટર અને બે-ત્રણ અવ્વલ દરજજાના ઑલરાઉન્ડરનો સમાવેશ છે, પરંતુ ન્યૂ ઝીલૅન્ડના ટિમ સાઉધીએ આ યાદીમાં એક સ્થાનની પ્રગતિ કરીને બધાને ચોંકાવી દીધા છે. તેણે બીજું કોઈ નહીં, પણ ક્રિકેટજગતમાં સૌથી વિસ્ફોટક બૅટર્સમાં જેનું નામ વિવ રિચર્ડ્સ સાથે લેવામાં આવે છે એ આપણા વીરેન્દર સેહવાગને સિક્સ-હિટર્સની આ યાદીમાં પાછળ રાખી દીધો છે.
વાત એવી છે કે ન્યૂ ઝીલૅન્ડના ટિમ સાઉધીએ શુક્રવારે બેન્ગલૂરુમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ચાર છગ્ગા ફટકારીને ધમાલ મચાવી દીધી હતી. ટેસ્ટ-ક્રિકેટમાં તેના નામે કુલ 89 સિક્સર હતી અને શુક્રવારની ચાર સિક્સર સાથે તેના ખાતે હવે કુલ 93 છગ્ગા થયા છે. સેહવાગે 2001થી 2013 દરમ્યાન 104 ટેસ્ટની કારકિર્દીમાં 91 છગ્ગા ફટકાર્યા હતા. જોકે સાઉધી કુલ 93 છગ્ગા સાથે તેનાથી એક ડગલું આગળ થઈ ગયો છે.
સાઉધીએ ભારત સામે 73 બૉલમાં ચાર સિક્સર અને પાંચ ફોરની મદદથી 65 રન બનાવ્યા. એટલે કે ભારતના પ્રથમ દાવના 46 રન કરતાં સાઉધીના રન વધુ હતા.
ફરી ટેસ્ટના ટોચના દસ સિક્સર-સ્પેશિયલિસ્ટની વાત કરીએ તો એમાં બેન સ્ટોક્સ, જૅક કૅલિસ અને ક્રિસ કેર્ન્સ જેવા દિગ્ગજ ઑલરાઉન્ડર ઉપરાંત ટિમ સાઉધીનું પણ નામ છે. કુલ 750 ઇન્ટરનૅશનલ વિકેટ લઈ ચૂકેલો સાઉધી વન-ડેમાં માત્ર 26 અને ટી-20માં 18 સિક્સર ફટકારી શક્યો છે, પરંતુ ટેસ્ટમાં તેના નામે લગભગ પાંચ ગણી (93) સિક્સર છે.
આવો, જાણીએ ટેસ્ટમાં સૌથી વધુ કોણે કેટલી સિક્સર ફટકારી છે….
(1) બેન સ્ટોક્સ, 131 સિક્સર (2) બ્રેન્ડન મૅક્લમ, 107 સિક્સર (3) ઍડમ ગિલક્રિસ્ટ, 100 સિક્સર (4) ક્રિસ ગેઇલ, 98 સિક્સર (5) જૅક કૅલિસ, 97 સિક્સર (6) ટિમ સાઉધી, 93 સિક્સર (7) વીરેન્દર સેહવાગ, 91 સિક્સર (8) રોહિત શર્મા, 88 સિક્સર (9) બ્રાયન લારા, 88 સિક્સર (10) ક્રિસ કેર્ન્સ, 87 સિક્સર.