ક્રિકેટની વાત આવે ત્યારે આખો દેશ એક થઈ જાય છે તે વાત સાચી. લોકો ધર્મ, જાતિ, ભાષા બધું ભૂલી એક થાય છે અને સ્વાભાવિક રીતે ટીમ ઈન્ડિયાની જીતની કામના કરે છે, પરંતુ આજે જે ચમત્કાર થયો છે તે સૌ કોઈની અપેક્ષા બહારનું છે. વાત એમ છે કે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપવા માટે ભાજપ અને કૉંગ્રેસ એક થયા છે. વાત એમ છે કે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપવા ભાજપના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવી હતી ત્યારે આ ટ્વીટને બીજાએ તો રિટ્વીટ કરી પણ કૉંગ્રેસે પણ રિટ્વીટ કરી પોતાની શુભેચ્છાઓ પાઠવી. લોકોને કૉંગ્રેસની આ પહેલ ખૂબ ગમી અને તેમણે કૉંગ્રેસની ટ્વીટને રિટ્વીટ કરી. આ ઉપરાંત નેતાઓએ વ્યક્તિગત રીતે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ ખૂબ રસાકસી સાથે શરૂ થઈ હતી, પરંતુ ભારતના બેટર્સે ફેન્સને નિરાશ કર્યા છે અને માત્ર 240 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયા સામે રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મજબૂત શરૂઆત કરી છે. ભારતે બે વિકેટ લઈ મેચને જીવંત રાખ્યો છે ત્યારે કરોડો ભારતીયો હાલમાં માત્ર ભારતના વિજયની પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેત્રી નિલમ પંચાલનું એક ટ્વીટ પણ વાયરલ થયું છે જેમાં જો ટીમ ઈન્ડિયા જીતે તો ચોટીલા જઈ ચામુંડાના દર્શન કરવાની માનતા તેણે લીધી છે. ઠેર ઠેર હોમ હવન યજ્ઞ વગેરે થઈ રહ્યા છે. આખો દેશ ભારત વર્લ્ડ કપ જીતે તેની પ્રતીક્ષામાં છે જ્યારે બીજી બાજુ રમૂજ કરતા મીમ્સ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જોકે આ એક ખેલ છે અને તેનું પરિણામ જે આવે તે સહર્ષ સ્વીકારવાનું હોય છે.