ભારતે જ્યાં ઇતિહાસ રચ્યો એ પિચ વિશે આઇસીસીએ કયું રેટિંગ આપ્યું?
ખેલાડીઓના સુપર પર્ફોર્મન્સને કારણે જો કોઈ ટીમ સામાન્ય સંજોગોમાં ક્રિકેટના મેદાન પર નવો ઇતિહાસ રચે ત્યારે એની ખાસ નોંધ લેવાતી હોય છે, પરંતુ ચોથી જાન્યુઆરીએ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં ભારતે માત્ર દોઢ દિવસમાં ટેસ્ટ જીતીને જે નવો ઇતિહાસ રમ્યો એને ગ્રહણ લાગ્યું છે, કારણકે એ ગ્રાઉન્ડની પિચના વિવાદ પર ચરમસીમા આવી ગઈ છે.
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને યજમાન ટીમના સુકાની ડીન એલ્ગરે કેપ ટાઉનના ન્યૂ લૅન્ડ્સની પિચને ઉતરતી કક્ષાની ગણાવી એ બાબતને ગણતરીમાં લઈને મૅચ રેફરી ક્રિસ બ્રૉડે આઇસીસીને રિપોર્ટ આપ્યો છે જેને આધારે આઇસીસીએ આ પિચ વિશે પોતે અસંતુષ્ટ છે એવું રેટિંગ આપીને આ પિચના સત્તાધીશોને એક ડિમેરિટ પૉઇન્ટ આપ્યો છે. સાઉથ આફ્રિકાએ આ ફેંસલા સામે અપીલમાં ન જવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે જેનાથી એવું કળી શકાય કે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડને ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનો ફેંસલો યોગ્ય લાગ્યો છે.
પિચ અને આઉટફીલ્ડ વિશે આઇસીસીના આ મુજબના રેટિંગ હોય છે: સારા, સંતોષજનક, અસંતોષજનક અને રમવા માટે અનફિટ. જો પિચ અસંતોષજનક હોય તો એક ડિમેરિટ પૉઇન્ટ અપાય છે અને પિચ રમવાને જરાય લાયક ન હોય તો ત્રણ ડિમેરિટ પૉઇન્ટ આપવામાં આવે છે. જે સ્થળને છ ડિમેરિટ પૉઇન્ટ આપવામાં આવે એ સ્થળે 12 મહિના સુધી ઇન્ટરનૅશનલ મૅચ ન રાખવા મળે.
ત્રીજી જાન્યુઆરીએ ટેસ્ટ શરૂ થઈ હતી, એ દિવસે કુલ 23 વિકેટ પડી હતી અને બીજા દિવસે વધુ દસ વિકેટ પડી હતી અને મૅચ કુલ મળીને માત્ર 642 બૉલમાં પૂરી થઈ જતાં ટેસ્ટના 147 વર્ષના ઇતિહાસમાં એની ગણના શૉર્ટેસ્ટ ટેસ્ટ-રિઝલ્ટ તરીકે થઈ હતી.
મૅચ રેફરી બ્રૉડે રિપોર્ટમાં લખ્યું હતું કે ‘કેપ ટાઉનની પિચ પર બૅટિંગ કરવાનું ખૂબ મુશ્કેલ હતું. બૉલ ખૂબ ઝડપથી ઉછળતો હતો અને ક્યારેક તો એટલી હદે બાઉન્સ થતો હતો જેમાં બૅટરની જાન માટે ખતરો ઊભો થઈ ગયો હતો. ઘણા બૅટર્સને ગ્લ્વઝ પર બૉલ વાગ્યો હતો અને ઘણી વિકેટો બૉલ ગમેએમ ઉછળતો હતો એને કારણે પડી હતી.’