સ્પોર્ટસ

બેંગલૂરુ જેવી દુર્ઘટના ટાળવા શું કરવું? બીસીસીઆઇ 15 દિવસમાં માર્ગરેખા નક્કી કરશે

મુંબઈઃ અમદાવાદમાં ત્રીજી જૂને આઇપીએલની 18મી સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ પહેલી વખત ચૅમ્પિયનપદ મેળવ્યું, પરંતુ પછીના દિવસે (ચોથી જૂને) હોમ-ટાઉન બેંગલૂરુમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM)ની બહાર બેથી ત્રણ લાખ લોકોના ધસારામાં જે નાસભાગ અને ધક્કામુક્કી (STEMPEDE)ની દુર્ઘટના બની એને ધ્યાનમાં રાખીને બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ આવી ઘટના ભવિષ્યમાં ફરી બનતી રોકવા માર્ગદર્શિકા નક્કી કરવાનો નિર્ણય લીધો છે.

બીસીસીઆઇએ સેક્રેટરી દેવાજિત સૈકિયાના સમાવેશ સાથેની સમિતિ (COMMITTEE) રચી છે જેને 15 દિવસમાં માર્ગરેખા નક્કી કરી નાખવાનું કહેવામાં આવ્યું છે.

આ કમિટીમાં બીસીસીઆઇના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા અને ખજાનચી પ્રભતેજ સિંહ ભાટિયાનો પણ સમાવેશ છે. ટોચના આ ત્રણેય હોદ્દેદારો પખવાડિયામાં માર્ગદર્શિકા નક્કી કરીને ક્રિકેટ બોર્ડને આપશે.

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની ઘટનામાં 30 વર્ષથી ઓછી ઉંમરના કુલ 11 જણનાં મૃત્યુ થયાં હતાં અને બીજા ઘણાને ઈજા થઈ હતી.

બીસીસીઆઇએ એ ટ્રૅજેડી સંબંધમાં સત્તાવાર રીતે કોઈ નિવેદન બહાર નથી પાડ્યું, પણ એણે એટલી સ્પષ્ટતા ઘટના બાદ કરી દીધી હતી કે આરસીબીની ચૅમ્પિયન ટીમની ઉજવણીનો કાર્યક્રમ બીસીસીઆઇએ નહોતો યોજ્યો.

આપણ વાંચો:  વડોદરાને છેક આટલા વર્ષે મળી ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ

નાસભાગના બનાવને પગલે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ આરસીબીના અને ડીએનએ એન્ટરટેઇનમેન્ટના અધિકારીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો તેમ જ ધક્કામુક્કીની ઘટના કેવી રીતે થઈ એની તપાસનો આદેશ રાજ્યની પોલીસને આપ્યો હતો. છઠ્ઠી જૂને પોલીસે આરસીબીના માર્કેટિંગ તથા રેવન્યૂ વિભાગના ચીફ નિખિલ સૉસલે અને ડીએનએના બે અધિકારીઓની ધરપકડ કરી હતી. 13મી જૂને તમામને જામીન મળ્યા હતા.

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશનના સેક્રેટરી એ. શંકર તથા ખજાનચી ઇ. એસ. જયરામે ધક્કામુક્કીની ઘટના બદલ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button