સ્પોર્ટસ

ટેસ્ટ-ક્રિકેટને ગુડબાય કરનાર વૉર્નરે યુવા વર્ગને શું સલાહ આપી?

ઑસ્ટ્રેલિયાના 37 વર્ષના ઓપનિંગ બૅટર ડેવિડ વૉર્નરે શનિવારે સિડનીમાં પાકિસ્તાન સામેની સિરીઝની છેલ્લી મૅચ રમવાની સાથે ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી ત્યાર બાદ એક મુલાકાતમાં યુવા વર્ગ માટેની સલાહમાં કહ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે લોકો મને રોમાંચક અને મનોરંજક ક્રિકેટ રમનારા ખેલાડી તરીકે યાદ રાખે. હું એવી પણ ઇચ્છા રાખું છું કે હું જે રીતે રમ્યો એ યાદ કરે ત્યારે બાળકના ચહેરા પર સ્મિત આવે. વ્હાઇટ બૉલ (મર્યાદિત ઓવર્સની ક્રિકેટ)થી માંડીને ટેસ્ટ-ક્રિકેટ સુધીની સફર એટલે ક્રિકેટની સર્વોપરિતા. હું યુવા વર્ગને સલાહ આપીશ કે રેડ બૉલ ક્રિકેટ (ટેસ્ટ-ક્રિકેટ) રમવામાં ખૂબ મહેનત કરતા રહેજો, કારણકે આ ફૉર્મેટમાં શીખવાની સાથે ઘણું મનોરંજન પણ મળશે.’

વૉર્નરે સિડની ટેસ્ટના પ્રથમ દાવમાં 34 રન બનાવ્યા પછી છેલ્લા દિવસે બીજા દાવમાં 75 બૉલમાં સાત ફોરની મદદથી 57 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં આ તેની 37મી હાફ સેન્ચુરી હતી. આ ફૉર્મેટમાં તે 26 સદી પણ ફટકારી ચૂક્યો છે. તે સાજિદ ખાનના બૉલમાં એલબીડબ્લ્યુ થયો હતો.

વૉર્નરે 13 વર્ષની ટેસ્ટ-કરીઅરમાં 112 ટેસ્ટમાં 26 સેન્ચુરી ફટકારી હતી અને 12,517 બૉલ રમીને કુલ 8785 રન બનાવ્યા હતા. અણનમ 335 રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. ટેસ્ટમાં તેના નામે 69 છગ્ગા અને 1035 ચોક્કા છે. તેણે ટેસ્ટ-ક્રિકેટમાં કુલ 91 કૅચ પકડ્યા હતા જેમાંનો છેલ્લો (91મો) કૅચ મોહમ્મદ રિઝવાનનો હતો.

વૉર્નર હવે ગણતરીના દિવસોમાં પોતાના દેશની બિગ બૅશ લીગ ટી-20 સ્પર્ધામાં રમવા માગે છે. તે સિડની થન્ડર ટીમમાં છે અને શુક્રવારે સિડનીમાં રમાનારી આ ટીમની મૅચ પહેલાં તેના ભાઈના લગ્નમાં હાજરી આપ્યા પછી હેલિકૉપ્ટરમાં બેસીને સિડની ક્રિકેટ સ્ટેડિયમ સુધી પહોંચવા માગે છે. સિડની થન્ડર ટીમ પણ ઇચ્છે છે કે છેલ્લી ત્રણ લીગ મૅચમાં વૉર્નર રમે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button