મોહમ્મદ શમીએ ભાવિ નિવૃત્તિ વિશે શું કહ્યું?
કોલકતા: ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાને કારણે ઘણા મહિનાઓથી મેદાન પર નથી જોવા મળ્યો, પણ સમયાંતરે ન્યૂઝમાં ચમકતો રહે જ છે. પગની ઈજાને લીધે તે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં નથી જોવા મળી રહ્યો. જોકે જસપ્રીત બુમરાહે તેની ખોટ નથી વર્તાવા દીધી.
નવેમ્બરના વન-ડે વર્લ્ડ કપમાં મોડો રમવા આવીને પણ સૌથી વધુ 24 વિકેટ લેનાર મોહમ્મદ શમીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં પોતાના રિટાયરમેન્ટ વિશેના સવાલના જવાબમાં રસપ્રદ વિચાર વ્યક્ત કર્યો હતો. શમીએ કહ્યું, ‘જે દિવસે મને લાગશે કે ક્રિકેટ રમીને હું કંટાળી ગયો છું, એ દિવસે હું ટ્વીટ કરીને ક્ષેત્ર-સંન્યાસની જાહેરાત કરી દઈશ. ક્રિકેટ રમીને બોર થઈ જઈશ ત્યારે રમવાનું સાવ છોડી દઈશ. મારે કોઈ પણ પ્રકારનો બોજ લેવાની જરૂર નથી અને મને કોઈ સમજાવવાવાળું પણ નથી. ન તો મારી ફૅમિલીમાંથી કોઈ મને કેટલું રમવું એ વિશે કંઈ કહે છે. જે દિવસે મને થશે કે અરે યાર, ગ્રાઉન્ડ પર જવાનું છે. એવો કંટાળો જે દિવસે મહેસૂસ કરીશ એ જ દિવસે ટ્વીટ કરીને બધાને કહી દઈશ કે હું ક્રિકેટને અલવિદા કરી રહ્યો છું.’
મોહમ્મદ શમીએ પોતાની સંભવિત બાયોપિક વિશે પણ ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. જોકે એ બાયોપિકમાં કયો અભિનેતા તેની ભૂમિકા ભજવશે એ વિશે તેણે કંઈ જ નહોતું કહ્યું, પરંતુ એટલું જણાવ્યું હતું કે ‘હા, મારી બાયોપિક બનવાની છે, પરંતુ કોઈ યોગ્ય ઍક્ટર નહીં મળે તો ક્રિકેટ છોડ્યા પછી ખુદ હું બાયોપિકમાં કામ કરીશ.