ઇંગ્લૅન્ડના મહાન ક્રિકેટર ડબ્લ્યૂ. જી. ગ્રેસ જ્યારે ડ્રેસિંગ રૂમમાંથી ઑસ્ટ્રેલિયન ખેલાડીનું `અપહરણ’ કરી ગયા હતા…
મહાન બ્રિટિશ ઑલરાઉન્ડરની આજે 177મી જન્મજયંતી છેઃ તેમણે 54,000થી વધુ રન કર્યા હતા અને 2,800થી વધુ વિકેટ લીધી હતી

લંડનઃ ઇંગ્લૅન્ડના મહાન ઑલરાઉન્ડર અને ક્રિકેટ જગતના ગ્રેટેસ્ટ પ્લેયર્સમાં ગણાતા ડબ્લ્યૂ. જી. ગ્રેસ (વિલિયમ ગિલ્બર્ટ ગ્રેસ)ની આજે (શુક્રવાર, 18મી જુલાઈએ) 177મી જન્મજયંતી છે એ નિમિત્તે તેમની કારકિર્દીને લગતા જાદુઈ આંકડા પર નજર કરવાની સાથે એક એવો કિસ્સો જાણીશું જે ક્રિકેટના દોઢ સૈકાથી વધુ સમયના ઇતિહાસમાં ક્યારેય નહીં બન્યો હોય. ડબ્લ્યૂ. જી. ગ્રેસ એક વખત લૉર્ડ્સના ડ્રેસિંગ રૂમમાંથી બિલી મિડવિન્ટર નામના ખેલાડીનું અપહરણ’ કરી ગયા હતા. અહીંઅપહરણ’નો અર્થ એ થાય છે કે ડબ્લ્યૂ. જી. ગ્રેસ ત્યારે બિલીને પોતાની સાથે રમવા માટે જબરદસ્તીથી લઈ ગયા હતા.
સૌથી પહેલાં આપણે ડબ્લ્યૂ. જી. ગ્રેસ (W. G. GRACE)ની કરીઅરના મૅજિક ફિગર્સ પર નજર કરી લઈએઃ 1848ની 18મી જુલાઈએ ઇંગ્લૅન્ડના બ્રિસ્ટૉલમાં જન્મેલા ગ્રેસ સાથી ખેલાડીઓ અને ચાહકોમાં ડબ્લ્યૂ.જી. તેમ જ ધ ડૉક્ટર તરીકે જાણીતા હતા. તેઓ રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન અને રાઇટ-આર્મ પેસ બોલર હતા. 50 વર્ષની ઉંમરે ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમનું સુકાન સંભાળનાર અને ટેસ્ટ (TEST) જગતના ઑલ્ડેસ્ટ કૅપ્ટન ડબ્લ્યૂ. જી. ગ્રેસે 1880માં 32 વર્ષની ઉંમરે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ 1880થી 1899 સુધીમાં બાવીસ ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે બે સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરીની મદદથી 1,098 રન કરવા ઉપરાંત નવ વિકેટ પણ લીધી હતી અને 39 કૅચ ઝીલ્યા હતા.

જોકે તેમની કરીઅરના ખરા આંકડા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના છે. તેમણે 1865થી 1908 સુધીની 43 વર્ષની પ્રથમ કક્ષાની કારકિર્દીમાં 870 મૅચમાં કુલ 124 સેન્ચુરી તથા 251 હાફ સેન્ચુરીની મદદથી 54,211 રન કર્યા હતા જેમાં 344 રન તેમનો હાઇએસ્ટ સ્કોર હતો. તેમણે એ 870 મૅચમાં 876 કૅચ ઝીલ્યા હતા. તેમણે એ 870 મૅચમાં કુલ 2,809 વિકેટ લીધી હતી. તેમણે 64 મૅચમાં 10 કે વધુ વિકેટ લીધી હતી. 240 દાવમાં તેમણે પાંચ કે વધુ વિકેટ મેળવી હતી.
બિલી મિડવિન્ટર નામના ઑલરાઉન્ડર ઑસ્ટ્રેલિયા તેમ જ ઇંગ્લૅન્ડ વતી ટેસ્ટ રમ્યા હતા. તેઓ ઇંગ્લૅન્ડની ગ્લુસેસ્ટરશર કાઉન્ટી ક્લબની ટીમ વતી પણ રમ્યા હતા. તેમનો જન્મ 1851માં ગ્લુસેસ્ટરશર કાઉન્ટીમાં થયો હતો અને થોડા વર્ષો બાદ તેઓ ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા અને તેમને ઑસ્ટ્રેલિયા ઉપરાંત ગ્લુસેસ્ટરશર કાઉન્ટી વતી પણ રમવાનો અધિકાર હતો.
બન્યું એવું કે 1878માં એક વખત તેઓ (બિલી) ઑસ્ટ્રેલિયા વતી લંડનમાં લૉર્ડસની મૅચમાં રમવું કે લંડનના જ ઓવલમાં ગ્લુસેસ્ટરશર વતી રમવું એ વિશે મૂંઝવણમાં હતા.
ઑસ્ટ્રેલિયન ટીમ લૉર્ડસમાં મિડલસેક્સ કાઉન્ટી સામે જે પ્રૅક્ટિસ મૅચ રમવાની હતી એમાં ભાગ લેવાનું બિલીએ નક્કી કર્યું હતું. જોકે ડબ્લ્યૂ. જી. ગ્રેસ ઇચ્છતા હતા કે તેઓ ગ્લુસેસ્ટરશરની મૅચમાં રમે. ડબ્લ્યૂ. જી. ગ્રેસને ખબર પડી કે બિલી ઑસ્ટ્રેલિયા વતી લૉર્ડ્સમાં રમવાના છે ત્યારે તેઓ લૉર્ડસના સ્ટેડિયમમાં દોડી ગયા હતા અને ત્યાંના ડ્રેસિંગ રૂમમાંથી જબરદસ્તીથી બિલીને પોતાની સાથે ઓવલ લઈ ગયા હતા. પરિણામે, ઑસ્ટ્રેલિયાની પ્લેઇંગ-ઇલેવન ટીમ પ્લેઇંગ-ટેન થઈ ગઈ હતી.