વેસ્ટ ઇન્ડિઝ પાંચ પાકિસ્તાનીને ઝીરોમાં આઉટ કરીને 34 વર્ષે જીત્યું સિરીઝ
કૅરિબિયનોએ 1-2ની હારનો બદલો 2-1થી લીધો

ટૅરોબા: વેસ્ટ ઈન્ડિઝે અહીં મંગળવારે પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. કૅરિબિયનો 34 વર્ષે પાકિસ્તાન (Pakistan) સામે વન-ડે શ્રેણી જીત્યા છે. પાકિસ્તાનની ટીમ 295 રનના લક્ષ્યાંક સામે ફક્ત 92 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં કુલ પાંચ બૅટ્સમેનના ઝીરો (Zero) હતા.
શાઈ હોપની કેપ્ટન્સીમાં વેસ્ટ ઇન્ડિઝે મંગળવારે શ્રેણીની છેલ્લી મૅચ 202 રનના તોતિંગ તફાવતથી જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ (West Indies) કોઈ મોટા ક્રિકેટ-રાષ્ટ્ર સામે 200 રનના માર્જિનથી વન-ડે જીત્યું હોય એવું 11 વર્ષે બન્યું છે. આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝે ન્યૂ ઝીલૅન્ડને એક વન-ડેમાં 203 રનથી હરાવ્યું હતું.
અગાઉનો વિજય છેક 1991માં મેળવેલો
વેસ્ટ ઈન્ડિઝ આ અગાઉ 1991માં પાકિસ્તાન સામે વન-ડે સિરીઝ જીત્યું હતું. ત્યાર પછીની 11માંથી 10 શ્રેણીમાં પાકિસ્તાનનો વિજય થયો હતો અને એક સિરીઝ ડ્રો થઈ હતી.
કૅરિબિયનો છેલ્લે 1991માં પાકિસ્તાન સામે જે વન-ડે સિરીઝ જીત્યા હતા એમાં રિચી રિચર્ડ્સન કેપ્ટન હતો અને તેની ટીમમાં ડેસ્મન્ડ હેઈન્સ, બ્રાયન લારા, કાર્લ હૂપર, માલ્કમ માર્શલ, કર્ટલી ઍમ્બ્રોઝ જેવા દિગ્ગજો હતા. ઇમરાન ખાન ત્યારે પાકિસ્તાનનો કેપ્ટન હતો.
Consistency meets class!
— Windies Cricket (@windiescricket) August 12, 2025
Shai Hope now holds the third-most ODI centuries in West Indies history.#WIvPAK | #FullAhEnergy pic.twitter.com/7Ey0qi5qxl
પચીસ વર્ષમાં પ્રથમ જીત
પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝ કોઈ સિરીઝ (series) જીત્યું હોય એવું પચીસ વર્ષમાં પહેલી વખત બન્યું છે. છેલ્લે 2000ની સાલમાં વેસ્ટ ઇન્ડીઝનો પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝમાં વિજય થયો હતો અને ત્યાર પછીની કુલ 24 શ્રેણીમાંથી 20 શ્રેણીમાં પાકિસ્તાનની જીત થઈ હતી અને ચાર શ્રેણી ડ્રોમાં પરિણમી હતી.
મંગળવારે પાકિસ્તાન સામેની અંતિમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝે 50 ઓવરમાં છ વિકેટે 294 રન કર્યા હતા. એમાં કેપ્ટન શાઈ હોપ (120 અણનમ, 94 બૉલ, પાંચ સિક્સર, દસ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું.
Jayden Seales brilliance!
— Windies Cricket (@windiescricket) August 12, 2025
How good was the player of the series today.#WIvPAK #FullAhEnergy pic.twitter.com/KNjD8QPYdv
સીલ્ઝની છ વિકેટ, એમાં ચારનાં ઝીરો
પાકિસ્તાનની ટીમ ફક્ત 92 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. 23 વર્ષની ઉંમરના ફાસ્ટ બોલર જેડન સીલ્ઝે માત્ર 18 રનમાં છ વિકેટ અને સ્પિનર ગુડાકેશ મૉટીએ 37 રનમાં બે વિકેટ લીધી હતી. તેમના બોલિંગ આક્ર્મણ સામે પાકિસ્તાનની બૅટિંગ લાઈન-અપ ઝૂકી ગઈ હતી. સીલ્ઝની છ વિકેટમાં ચાર બૅટ્સમેનના ઝીરો હતા. વેસ્ટ ઈન્ડિઝના બોલર્સના કિસ્સામાં આવું અગાઉ એક જ વખત બન્યું હતું. 1979ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના જૉએલ ગાર્નરે ઇંગ્લૅન્ડની છ વિકેટ લીધી હતી જેમાં ચાર બૅટ્સમેનના ઝીરો હતા.
પહેલા આઠ રનમાં ત્રણ વિકેટ પડી હતી
એક તબક્કે પાકિસ્તાને ફક્ત આઠ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. બે વખત એવું બન્યું હતું જેમાં પાકિસ્તાને ઉપરાઉપરી બે બૉલમાં બે વિકેટ ગુમાવી હતી. ખુદ કેપ્ટન મોહમ્મદ રિઝવાન સહિત પાંચ બૅટ્સમેન શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠા હતા. બાબર આઝમ માત્ર નવ રન કરીને આઉટ થઇ ગયો હતો.
વેસ્ટ ઈન્ડિઝે બરાબર બદલો લીધો
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની શરૂઆતમાં પાકિસ્તાને ટી-20 સિરીઝ 2-1થી જીતી લીધી હતી, પરંતુ હવે વેસ્ટ ઈન્ડિઝે વન-ડે શ્રેણી 2-1થી જીતીને સાટું વાળી લીધું છે.
આપણ વાંચો: ડેવાલ્ડ બ્રેવિસની રેકૉર્ડ-બ્રેક સેન્ચુરીઃ ઑસ્ટ્રેલિયાની નવ મૅચની વિજય-કૂચ અટકી…