વર્લ્ડ કપના પહેલા જ દિવસે હૅટ-ટ્રિક

શેફર્ડે કુલ પાંચ વિકેટ સાથે સપાટો બોલાવ્યોઃ હેટમાયરની હિટિંગ, વેસ્ટ ઇન્ડિઝે સ્કૉટલૅન્ડને હરાવ્યું
કોલકાતાઃ બે વખત ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા વેસ્ટ ઇન્ડિઝે (west indies) અહીં શનિવારે સ્કૉટલૅન્ડને વર્લ્ડ કપની મૅચમાં 35 રનથી હરાવીને જીત સાથે ખાતું ખોલાવ્યું હતું. શિમરૉન હેટમાયર (64 રન, 36 બૉલ, છ સિક્સર અને બે ફોર) અને રોમારિયો શેફર્ડ (હૅટ-ટ્રિક સહિત પાંચ વિકેટ) આ વિજયના બે સૂત્રધાર હતા.
સ્કૉટલૅન્ડ (SCOTLAND)ની ટીમને બાંગ્લાદેશના સ્થાને વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવી છે. વેસ્ટ ઇન્ડિઝે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 182 રન કર્યા હતા. હેટમાયર ઉપરાંત બ્રેન્ડન કિંગે 35 રન, શેરફેન રુધરફર્ડે 26 રન, રૉવમૅન પોવેલે 24 રન અને કૅપ્ટન શાઇ હોપે 19 રનનું યોગદાન આપ્યું છે. સ્કૉટલૅન્ડના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર બ્રાડ ક્યૂરીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
સ્કૉટલૅન્ડની ટીમે કૅરિબિયનોને સારી લડત આપી હતી અને તેઓ 18.5 ઓવરમાં 147 રનના સ્કોર પર ઑલઆઉટ થયા હતા. શેફર્ડે ઉપરાઉપરી ત્રણ બૉલમાં ત્રણ વિકેટ લેવા સહિત કુલ ત્રણ ઓવરમાં 20 રનમાં પાંચ વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ પીઢ બોલર જેસન હોલ્ડરે લીધી હતી. સ્કૉટિશ ટીમમાં કૅપ્ટન રિચી બેરિંગ્ટનના 42 રન હાઇએસ્ટ હતા જેમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા સામેલ હતા. ટૉમ બ્રુસે 35 રનનો ફાળો આપ્યો હતો.
રવિવારે કોની મૅચ?
અફઘાનિસ્તાન વિ. ન્યૂ ઝીલૅન્ડ, ચેન્નઈ, સવારે 11.00
ઇંગ્લૅન્ડ વિ. નેપાળ, વાનખેડે, બપોરે 3.00
શ્રીલંકા વિ. આયરલૅન્ડ, કોલંબો, સાંજે 7.00
(નોંધઃ ભારતની હવે પછીની મૅચ ગુરુવાર, 12મી ફેબ્રુઆરીએ સાંજે 7.00 વાગ્યાથી દિલ્હીમાં નામિબિયા સામે રમાશે)



