ઑસ્ટ્રેલિયા 8-0 થી વેસ્ટ ઇન્ડિઝમાં જીત્યું: જાણો, આ વિક્રમ કેવી રીતે કર્યો…

બૅસેટિયર (સેન્ટ કિટ્સ): ઑસ્ટ્રેલિયા (Australia)એ સોમવારે અહીં વેસ્ટ ઇન્ડીઝ (West Indies)ને પાંચમી અને છેલ્લી ટી-20 (T20)માં ત્રણ વિકેટ અને 18 બૉલ બાકી રાખીને હરાવ્યું એ સાથે કાંગારૂઓએ ટી-20 ફોર્મેટમાં પોતાના દેશ માટે નવો વિક્રમ (record) રચ્યો હતો.
ઑસ્ટ્રેલિયાએ ક્રિકેટ ઈતિહાસમાં પહેલી જ વખત વિદેશી ધરતી પર રમેલી તમામ મૅચોમાં વિજય મેળવ્યો. કૅરિબિયન ધરતી પર ઑસ્ટ્રેલિયનોએ પહેલાં તો ટેસ્ટ સિરીઝ 3-0થી જીતી લીધી હતી અને હવે ટી-20 શ્રેણીમાં 5-0થી ક્લીન સ્વીપ કરી છે.
Taking home another trophy #WIvAUS pic.twitter.com/JJJOwfYjIi
— Aussies Army (@AussiesArmy) July 29, 2025
ભારતનો 9-0નો વર્લ્ડ રેકૉર્ડ છે
ઑસ્ટ્રેલિયા કોઈ એક દેશના પ્રવાસમાં આઠ મૅચ રમ્યું હોય અને એ તમામ આઠ મૅચમાં વિજય મેળવ્યો હોય એવું પહેલી જ વખત બન્યું છે. આવા કિસ્સાઓની રેકૉર્ડ બુકમાં ભારતનો વિશ્વ વિક્રમ છે. 2017માં શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટની સિરીઝ 3-0થી, પાંચ વન-ડેની સિરીઝ 5-0થી અને એક ટી-20ની શ્રેણી 1-0 થી, એમ કુલ મળીને આખા પ્રવાસમાં ભારતે 9-0થી જીત હાંસલ કરી હતી. આ રેકૉર્ડ્સમાં ઑસ્ટ્રેલિયા હવે બીજા નંબરે છે.
કોઈ ટીમે ટી-20 સિરીઝ 5-0થી જીતી લીધી હોય એવું બીજી જ વખત બન્યું છે. ઑસ્ટ્રેલિયાની પહેલાં છ વર્ષ પૂર્વે ભારતે ન્યૂ ઝીલેન્ડમાં ટી-20 શ્રેણી 5-0થી જીતી લીધી હતી.
An historic 5-0 victory sealed by Australia in Adam Zampa's 100th! #WIvAUS
— cricket.com.au (@cricketcomau) July 29, 2025
SCORECARD: https://t.co/PhswnQU0DZ pic.twitter.com/rDCQD9ybj8
હેટમાયરની ફટકાબાજી, ડવારશૂઇસની ત્રણ વિકેટ
મિચલ માર્શના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ સોમવારે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની પાંચમી ટી-20માં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. શાઇ હોપની ટીમે શિમરોન હેટમાયર (બાવન રન, 31 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી 19.4 ઓવરમાં 170 રન કર્યા હતા. ફાસ્ટ બોલર ડવેઈન ડવારશૂઈસે ત્રણ વિકેટ અને નૅથન એલિસે બે વિકેટ લીધી હતી.
ઓવેનની પણ આતશબાજી
ઑસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં સાત વિકેટે 173 રન કરીને વિજય મેળવી લીધો હતો જેમાં મિચલ ઓવેન (37 રન, 17 બૉલ, ત્રણ સિકસર, ત્રણ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. વેસ્ટ ઈન્ડિઝ વતી અકીલ હોસૈને સૌથી વધુ ત્રણ વિકેટ મેળવી હતી.