વેસ્ટ ઈન્ડિઝે ચોથી ઇનિંગ્સમાં 457 રન કર્યા તો પણ ન્યૂ ઝીલૅન્ડ સામે જીતવા ન મળ્યું, જાણો કેવી રીતે…

ક્રાઇસ્ટચર્ચ: આજકાલ ટેસ્ટ મૅચ બે-ત્રણ દિવસમાં પૂરી થઈ જતી હોય છે, પરંતુ અહીં વેસ્ટ ઇન્ડિઝ (West Indies) અને ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) વચ્ચે સિરીઝની પહેલી ટેસ્ટ (Test) રોમાંચક તબક્કામાં પહોંચ્યા બાદ છેવટે ડ્રોમાં ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ 531 રનના લક્ષ્યાંક સામે 6 વિકેટના ભોગે બનેલા 457 રનના સ્કોર સુધી પહોંચ્યું હતું અને વિક્રમજનક વિજયથી 74 રન દૂર રહી ગયું હતું. જોકે કૅરિબિયનો ચોથા દાવના આટલા તોતિંગ ટાર્ગેટ સામે પણ હાર્યા નહીં એ તેમના માટે બહુ મોટી સિદ્ધિ કહેવાય.
વેસ્ટ ઇન્ડિઝ હવે બીજા નંબરે
ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં ચોથા દાવમાં નોંધાયેલા ટીમ-ટોટલમાં વેસ્ટ ઇન્ડીઝનું 6/457નું ટોટલ સેકન્ડ હાઈએસ્ટ છે. આ લિસ્ટમાં ઇંગ્લેન્ડનું નામ મોખરે છે. 1939માં સાઉથ આફ્રિકા સામે ડર્બનમાં ઇંગ્લૅન્ડે 696 રનના ટાર્ગેટ સામે પાંચ વિકેટે 654 રન કર્યા હતા અને સમયના અભાવે છેવટે એ ટેસ્ટ ડ્રો જાહેર થઇ હતી.
ટેસ્ટના ઇતિહાસમાં ચોથા દાવમાં હાઈએસ્ટ સફળ ચેઝની યાદીમાં વેસ્ટ ઈન્ડિઝ (2003માં સેન્ટ જોન્સમાં ઑસ્ટ્રેલિયા સામે 7/418) અવ્વલ છે.
ચોથા દાવના હાઈએસ્ટ ટોટલમાં વેસ્ટ ઈન્ડિઝે 6/457ના ટોટલ સાથે ન્યૂ ઝીલેન્ડનું 2002ની સાલનું 451 રન (ક્રાઇસ્ટચર્ચમાં ઇંગ્લેન્ડ સામે)નું ટોટલ પાર કરીને આ યાદીમાં બીજું સ્થાન મેળવ્યું છે.

ભારતે ચેઝમાં 429 રન કર્યા છતાં ડ્રો
1979માં લંડનના ઓવલમાં ઇંગ્લૅન્ડ સામે ભારતે 438 રન ચેઝ કરતી વખતે આઠ વિકેટે 429 રન કર્યા અને મૅચ ડ્રોમાં જતાં ભારત નવ રન માટે વિજયથી વંચિત રહ્યું હતું. એ દાવમાં સુનીલ ગાવસકરની 221 રન, ચેતન શર્માની 80 રન અને દિલીપ વેન્ગસરકરની 52 રનની ઇનિંગ્સ એળે ગઈ હતી. ગાવસકરે 221 રન 443 બૉલમાં અને ચેતન શર્માએ 80 રન 263 બૉલમાં કર્યા હતા અને તેમની વચ્ચે 213 રનની યાદગાર ઓપનિંગ ભાગીદારી થઈ હતી.
ભારત 445 રન કરીને પણ હારેલું
ભારત વતી ટેસ્ટના ચોથા દાવમાં નોંધાયેલા ટોટલ્સમાં 445 રન (1978માં ઑસ્ટ્રેલિયા સામે) હાઈએસ્ટ છે. એમાં ભારત 493 રનના લક્ષ્યાંક સામે જીતથી 48 રન દૂર રહી ગયું હતું.

ગ્રીવ્ઝની ડબલ સેન્ચુરી પાણીમાં
ક્રાઈસ્ટચર્ચમાં આજે ટેસ્ટ ડ્રોમાં જતાં મૅન ઑફ ધ મૅચ જસ્ટિન ગ્રીવ્ઝ (388 બૉલમાં 202 અણનમ), શાઈ હોપ (234 બૉલમાં 140 રન) અને કીમાર રૉચ (233 બૉલમાં 58 અણનમ)ની ઇનિંગ્સ પાણીમાં ગઈ હતી. ગ્રીવ્ઝ-રૉચ વચ્ચે 180 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
ડ્રો ટેસ્ટના ટીમ ટોટલ્સ
ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ના બોલર્સમાં જેકબ ડફીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. આ મૅચની ચારેય ઇનિંગ્સના ટોટલ આ મુજબ હતા: ન્યૂ ઝીલૅન્ડ પહેલો દાવ 231 રન, વેસ્ટ ઈન્ડિઝ પહેલો દાવ 167 રન, ન્યૂ ઝીલૅન્ડ બીજો દાવ 8/466 ડિક્લેર્ડ અને વેસ્ટ ઈન્ડિઝ 531 રનના ટાર્ગેટ સામે 6/457).
આ પણ વાંચો…શનિવારે સાઉથ આફ્રિકા સામે નિર્ણાયક વન-ડે…



