ભારત સામેની મૅચમાં કૅરિબિયન બોલરની પચીસ ટકા મૅચ ફી કેમ કાપી લેવાઈ?

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર જેડન સીલ્ઝે લેવલ-1 પ્રકારની આચાર સંહિતાનો ભંગ કર્યો એ બદલ તેની પચીસ ટકા મૅચ ફી (match fee)કાપી લેવામાં આવી છે અને તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ લખવામાં આવ્યો છે.
શુક્રવારે વિશાખાપટનમમાં ભારત સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે 29મી ઓવર દરમ્યાન સીલ્ઝે (Seales) એક બૉલ ફેંક્યા બાદ ફૉલો-થ્રુમાં બૉલ અટકાવીને બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલ (YASHASVI Jaiswal) તરફ ફેંક્યો હતો. એ થ્રો બિનજરૂરી હતો જેમાં બૉલ યશસ્વીને પૅડ પર વાગ્યો હતો.
આ પણ વાંચો: IND vs WI: બુમરાહે વિન્ડિઝ બેટરને કર્યો ક્લીન બોલ્ડ, સ્ટમ્પ ઉછળીને છેક દૂર પડ્યું, જુઓ વિડીયો…
સીલ્ઝે આચાર સંહિતાની કલમ 2.9નું ઉલ્લંઘન કર્યું હતું. આ કલમમાં એવું છે કે જો કોઈ ખેલાડી અન્ય કોઈ ખેલાડી તરફ કે તેના પર જરૂર વિના કે એ ખેલાડી માટે જોખમ સાબિત થઈ શકે એ રીતે ફેંકે તો બૉલ ફેંકનાર પ્લેયર સામે પગલાં લઈ શકાય.
સીલ્ઝના નામે અગાઉ એક ડીમેરિટ પૉઇન્ટ લખાયો હતો. તેણે 2024માં બાંગ્લાદેશ સામેની મૅચમાં નિયમનો ભંગ કર્યો હતો ત્યારે તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ લખવામાં આવ્યો હતો. એ રીતે, તેના નામે બે પૉઇન્ટ થયા છે.