વેસ્ટ ઇન્ડિઝનું ટેસ્ટ ક્રિકેટમાં પતન ` કૅન્સર’ જેવુંઃ ભૂતપૂર્વ કૅપ્ટન

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝને બે વખત ટી-20નો વર્લ્ડ કપ અપાવનાર ભૂતપૂર્વ કૅપ્ટન ડૅરેન સૅમી (Darren Sammy) સ્પષ્ટવક્તા છે અને તેણે ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ની ટીમનું જે પતન થઈ રહ્યું છે એની સરખામણી ` કૅન્સર’ સાથે કરી છે જેમાં તેણે કહ્યું છે કે કૅરિબિયન ટેસ્ટ ક્રિકેટમાં ઘણા લાંબા સમયથી જે સિસ્ટમ આકાર પામી છે એ મહારોગ જેવી છે.
ડૅરેન સૅમીનું એવું માનવું છે કે સૌથી ટૂંકા ફૉર્મેટ (ટી-20)માં જનરેશન-નેક્સ્ટ માટે રોલ મૉડેલ તેમના પર્ફોર્મન્સને લીધે તરત ઉપલબ્ધ છે અને તેઓ જે કંઈ સ્ત્રોત ઉપલબ્ધ છે એનાથી ચલાવી લેતા હોય છે, પરંતુ ટેસ્ટ-ક્રિકેટની વાત કરું તો અમે ભારતમાં ટેસ્ટ-સિરીઝ દાયકાઓથી નથી જીતી શક્યા. રમૂજી સ્વભાવના 42 વર્ષીય સૅમીએ પત્રકારોને કહ્યું, ` અમે (કૅરિબિયનો) છેલ્લે ડિસેમ્બર, 1983માં ભારતમાં ટેસ્ટ-શ્રેણી જીત્યા ત્યારે (એ જ મહિનામાં) મારી મમ્મીએ મને હજી તો જન્મ આપ્યો હતો. કહેવાનો અર્થ એ છે કે 42 વર્ષથી અમે ભારતમાં ટેસ્ટ-શ્રેણી નથી જીતી શક્યા.’
વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતમાં ટેસ્ટ-શ્રેણી જીતી હોય એવું છેલ્લે છેક ડિસેમ્બર, 1983માં બન્યું હતું. ત્યારે જૂન, 1983માં વર્લ્ડ કપમાં ભારતના હાથે પછડાટ મળ્યા બાદ ક્લાઇવ લૉઇડના સુકાનમાં ભારત આવેલી ટીમે ટેસ્ટ-સિરીઝ 3-0થી જીતી લીધી હતી. ત્યાર પછી ભારતમાં કૅરિબિયનોની બે ટેસ્ટ-શ્રેણી (1987, 1994) ડ્રૉમાં ગઈ હતી અને પછીની તમામ ચાર શ્રેણી (2002, 2011, 2013 અને 2018)માં ભારતનો અનુક્રમે 2-0, 2-0, 2-0, 2-0થી વિજય થયો હતો. ભારતમાં વર્તમાન સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝનો અમદાવાદમાં માત્ર અઢી દિવસમાં એક દાવ અને 140 રનથી પરાજય થયો હતો.
ડૅરેન સૅમીએ એવું પણ કહ્યું હતું કે ` અમે ટીકાઓ સાંભળવા માટે તૈયાર છીએ. દરેક જણ અમને વખોડી રહ્યા છે. જોકે જણાવી દઉં કે અમારી ટેસ્ટ-ક્રિકેટના પતનનું મૂળ માત્ર બે વર્ષ જૂનું નથી. આ પતન બહુ લાંબા સમય પહેલાં શરૂ થયું હતું. આ એવું કૅન્સર (Cancer) છે જે સિસ્ટમમાં પ્રસરી ગયું છે.’
આપણ વાંચો : અમદાવાદની સ્કૂલનો વિવાદાસ્પદ નિર્ણયઃ વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ: વાલીઓનો હોબાળો