સ્પોર્ટસ

પ્રિન્સ ચાર્લ્સને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરોએ શીખવી હાથ મિલાવવાની નવી સ્ટાઇલ…

લંડન: ટેસ્ટ સિરીઝ રમવા માટે ઇંગ્લૅન્ડ પહોંચેલા વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરોએ બ્રિટનના રાજવી પરિવારના વડા પ્રિન્સ ચાર્લ્સને કૅરિબિયનોની ધરતી પર સામાન્ય રીતે હાથ કેવી રીતે મિલાવવામાં આવે છે એની સ્ટાઈલ બતાવીને તેમને ચોંકાવી દીધા હતા. આ મુલાકાત દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ અને પ્રિન્સ ચાર્લ્સ વચ્ચે હળવી રમૂજની આપ-લે પણ થઈ હતી.

ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બ્રિટનની ધરતી પર ત્રણ ટેસ્ટ મૅચ રમાવાની છે. લોર્ડ્સમાં પહેલી ટેસ્ટ બુધવાર 10મી જુલાઈએ શરૂ થશે. બેન સ્ટોક્સ ઇંગ્લૅન્ડનો અને ક્રેગ બ્રેથવેઈટ વેસ્ટ ઇન્ડિઝનો કેપ્ટન છે


વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ બકિંગહૅમ પૅલેસ ખાતે પ્રિન્સ ચાર્લ્સને મળવા આવ્યા હતા. પહેલાં તો પ્રિન્સે એક પછી એક ખેલાડી સાથે હૅન્ડશેક કરવાનું શરૂ કર્યું હતું. જોકે નવા ફાસ્ટ બોલર જેરેમીયા લુઈસનો વારો આવ્યો ત્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝના નાગરિકોની હાથ મિલાવવાની અલગ સ્ટાઇલની જેમ હેન્ડશેક કરવાની પ્રિન્સ ચાર્લ્સને વિનંતી કરી હતી અને તેમને ફિસ્ટ બમ્પ સાથેની એ અનોખી સ્ટાઈલ શીખવી હતી. ત્યાર પછી પ્રિન્સે એ સ્ટાઇલમાં હાથ મિલાવ્યા હતા અને ખેલાડીઓ સાથે હળવી મજાક પણ કરી હતી.

પ્રિન્સ ચાર્લ્સ કોમનવેલ્થના વડા છે. તેમણે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝમાં ફૂંકાયેલા ‘બેરીલ’ વંટોળને લીધે થયેલા નુકસાન બાબતમાં ચિંતા અને સહાનુભૂતિ વ્યક્ત કર્યા હતા.
કેપ્ટન બ્રેથવેઇટે તેમને કહ્યું હતું કે ‘બેરીલ વંટોળને કારણે અમારે ત્યાં નુકસાન ઘણું થયું છે અને લોકો હતાશ અને પરેશાન છે, પરંતુ અમે અહીં સારું પર્ફોર્મ કરીને લોકોના ચહેરા પર સ્મિત લાવવા માગીએ છીએ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button