સ્પોર્ટસ

વેસ્ટ ઇન્ડિઝના વર્તમાન ક્રિકેટર વિરુદ્ધ 11 મહિલાઓનો બળાત્કારનો આક્ષેપ

ગયાનાઃ વેસ્ટ ઇન્ડિઝમાં એક તરફ ગયાના (Guyana) ટાપુએ ક્રિકેટ જગતને ક્લાઇવ લૉઇડ, રોહન ક્નહાઈ, લાન્સ ગિબ્સ, રૉય ફ્રેડરિક્સ, ઑલ્વીન કાલિચરણ, કૉલિન ક્રૉફ્ટ, ફાઉદ બૅકસ, રોજર હાર્પર, કાર્લ હૂપર, શિવનારાયણ ચંદરપૉલ, રામનરેશ સરવન વગેરે નામાંકિત ખેલાડીઓ આપ્યા છે ત્યારે બીજી તરફ આ જ ટાપુનો એક ક્રિકેટર જે વેસ્ટ ઇન્ડિઝની વર્તમાન ટીમમાં સામેલ કરવામાં આવતો હોય છે તેની સામે બળાત્કાર (Rape)ના આક્ષેપો થયા છે.

ગયાના ટાપુના આ યુવાન વર્તમાન ક્રિકેટર (cricketer) વિરુદ્ધ અગિયાર (11) મહિલાઓએ બળાત્કારનો તેમ જ જાતીય સતામણી (sexual harassment)નો આક્ષેપ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડિઝ વતી હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા ગયાનાના ખેલાડીઓમાં ખાસ કરીને રોમારિયો શેફર્ડ, શિમરૉન હેટમાયર, કીમૉ પૉલ, વીરાસામી પરમૉલ વગેરેનો સમાવેશ છે.

આ પણ વાંચો: ટી-20 ની અસર, ઑસ્ટ્રેલિયા-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટના પ્રથમ દિવસે આટલી વિકેટ પડી…

કેટલાક કૅરિબિયન અખબારો અને વેબસાઇટના અહેવાલ મુજબ જે ક્રિકેટરની વિરુદ્ધ બળાત્કારના આક્ષેપો થયા છે એ ગયાનાનો છે અને વેસ્ટ ઇન્ડિઝની વર્તમાન ટીમનો હિસ્સો છે. તેની વિરુદ્ધના આક્ષેપો સંબંધમાં તપાસ થઈ રહી છે.

આ ખેલાડીની વિરુદ્ધમાં જે 11 મહિલાઓએ બળાત્કારના આક્ષેપ કર્યા છે એમાં એક ટીનેજર છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ ક્રિકેટરે તેમની જાતીય સતામણી કરી હતી, તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો તેમ જ કેટલીક અન્ય અસભ્ય માગણીઓ પણ કરી હતી.

એક અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે આ ખેલાડી વર્તમાન કૅરિબિયન ક્રિકેટનો હિસ્સો હોવાથી તેને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમી રહી છે.

ગયાનાના વકીલ નાઇજેલ હ્યુઝે એક અખબારને કહ્યું છે કે બે વર્ષ પહેલાં એક છોકરી મારી પાસે આવી હતી અને તેણે જે ક્રિકેટર વિરુદ્ધ બળાત્કારનો આક્ષેપ કર્યો હતો એ ખેલાડી કેરિબિયન ટીમમાં હતો. એ ટીમે જાન્યુઆરી, 2024માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને એ પ્લેયર પાછો આવ્યો ત્યારે ગયાનામાં પર્ફોર્મન્સ બદલ તેનું શાનદાર સ્વાગત થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button