વેસ્ટ ઇન્ડિઝ માટે ક્લાઇવ લૉઇડના સમયનો સુવર્ણકાળ પાછો આવશે ખરો?

મુંબઈઃ વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ના મહાન કૅપ્ટન ક્લાઇવ લૉઇડે 1970 અને 1980ના દાયકાની પોતાની કૅરિબિયન ટીમને વારંવાર ક્રિકેટ જગતની સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે ઓળખાવી છે, પરંતુ એક સમયે દાયકાઓ સુધી ક્રિકેટની દુનિયા પર રાજ કરનાર વેસ્ટ ઇન્ડિઝની વર્તમાન ટીમ તમારી દૃષ્ટિએ કેવી છે?
આવું પૂછવાનું કારણ એ છે કે 1975 અને 1979ના સૌથી પહેલા બે વન-ડે વર્લ્ડ કપ જીતનારી વેસ્ટ ઇન્ડિઝની ટીમ 2023ના વન-ડે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય જ નહોતી થઈ શકી. બીજું, ડૅરેન સૅમીના સુકાનમાં ટી-20ના બે વર્લ્ડ કપ જીતનારી કૅરિબિયન ટીમે હાલમાં ટી-20માં અને વન-ડેમાં ન્યૂ ઝીલૅન્ડમાં પરાજય પર પરાજય જોયા છે. નવેમ્બરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે વેસ્ટ ઇન્ડિઝનો 1-3થી પરાભવ થયો અને ત્યાર પછી વન-ડે શ્રેણીમાં તો વેસ્ટ ઇન્ડિઝનો 0-3થી સફાયો થઈ ગયો હતો.

છઠ્ઠી ડિસેમ્બરે ક્રાઇસ્ટચર્ચમાં છઠ્ઠા ક્રમના બૅટ્સમૅન જસ્ટિન ગ્રીવ્ઝની પ્રથમ ડબલ સેન્ચુરી (564 મિનિટમાં અણનમ 202 રન), શાઈ હોપ (326 મિનિટમાં 140 રન) અને કીમાર રૉચ (282 મિનિટમાં અણનમ 58 રન)ની યાદગાર ઇનિંગ્સની મદદથી વેસ્ટ ઇન્ડિઝે કિવીઓ સામેની પ્રથમ ટેસ્ટ ડ્રૉ કરાવી હતી, પણ હવે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ફક્ત 205 રનમાં ઑલઆઉટ થઈ ગયા.
રૉસ્ટન ચેઝ ટેસ્ટનો, શાઈ હોપ વન-ડે તથા ટી-20 ટીમનો કૅપ્ટન છે. ભૂતકાળમાં એકમાત્ર કૅપ્ટન ક્લાઇવ લૉઇડે (Clive Lloyd) વેસ્ટ ઇન્ડિઝની ટીમને વર્ષો સુધી ટેસ્ટ અને વન-ડેમાં અવ્વલ સ્થાને રાખી હતી, જ્યારે હાલમાં બબ્બે કૅપ્ટન હોવા છતાં ત્રણ ફૉર્મેટમાં વેસ્ટ ઇન્ડિઝ છથી નવ ક્રમની વચ્ચે રહે છે.
ખુદ ક્લાઇવ લૉઇડ તેમ જ વિવ રિચર્ડ્સ, ઇયાન બિશપ, કર્ટલી ઍમ્બ્રોઝ જેવા મહાન ખેલાડીઓ થોડા દિવસથી વેસ્ટ ઇન્ડિઝની ટીમને રૅન્કિંગમાં ઉપર લાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે, પણ એમાં તેમને સફળતા નથી મળી રહી. વેસ્ટ ઇન્ડિઝના અલગ અલગ ટાપુઓના ખેલાડીઓથી બનેલી કૅરિબિયન ટીમમાં અત્યારે કઈ ખામીઓ છે? તમારું શું માનવું છે? વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફરી સુવર્ણકાળ જોશે ખરી? શું કહો છો તમે?



