વેસ્ટ ઇન્ડિઝે મુશ્કેલ વિજયને આસાન બનાવી દીધો, સિરીઝ 1-1થી લેવલ કરી

ટૅરૌબાઃ વેસ્ટ ઇન્ડિઝે અહીં પાકિસ્તાનને સિરીઝની બીજી વન-ડે (One-Day)માં હરાવીને સિરીઝ 1-1થી સમકક્ષ કરી લીધી હતી અને એનો શ્રેય રૉસ્ટન ચેઝ (49 અણનમ, 47 બૉલ, બે સિક્સર, ચાર ફોર) તથા જસ્ટિન ગ્રીવ્ઝ (26 અણનમ, 31 બૉલ, એક સિક્સર)ની જોડીને ફાળે જાય છે, કારણકે એક તબક્કે 181 રનના લક્ષ્યાંક સામે કૅરિબિયન ટીમનો સ્કોર પાંચ વિકેટે 107 રન હતો અને આ જોડીએ 77 રનની અતૂટ ભાગીદારીથી વિજય અપાવ્યો ત્યારે 10 બૉલ બાકી રહ્યા હતા અને પાંચ વિકેટ પણ બાકી રહી હતી.
ત્રણ વન-ડેની શ્રેણીમાં પ્રથમ મૅચ જીતનાર પાકિસ્તાને (Pakistan) વરસાદના વિઘ્ન બાદ પ્રથમ બૅટિંગ મળતાં 37 ઓવરમાં સાત વિકેટે 171 રન કર્યા હતા. એમાં એક પણ પાકિસ્તાની બૅટ્સમૅનની હાફ સેન્ચુરી નહોતી. કૅરિબિયન પેસ બોલર જેડન સીલ્ઝે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ફરી વરસાદ પડતાં ડકવર્થ/લુઇસની મેથડ મુજબ કૅરિબિયનોને જીતવા 35 ઓવરમાં 181 રન બનાવવાનો નવો લક્ષ્યાંક મળ્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનને એવા બે ખેલાડીએ પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય અપાવ્યો જેમણે…
શેરફેન રુધરફર્ડના 45 રન અને કૅપ્ટન શાઇ હોપના 32 રન છતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમનો સ્કોર માંડ 102 રન પર પહોંચ્યો ત્યારે પહેલાં હોપની અને પછી 107 રનના સ્કોર પર રુધરફર્ડની વિકેટ પડી હતી. એ તબક્કે રૉસ્ટન ચેઝ અને ગ્રીવ્ઝની જોડીએ બાજી સંભાળી લીધી હતી અને 72 બૉલમાં 77 રનની અતૂટ ભાગીદારીથી વેસ્ટ ઇન્ડિઝને વિજય અપાવ્યો હતો.
રૉસ્ટન ચેઝે એક વિકેટ પણ લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. હવે નિર્ણાયક વન-ડે મંગળવારે (ભારતીય સમય મુજબ સાંજે 7.00 વાગ્યાથી) રમાશે.