કૅરિબિયનોના માથેથી પનોતી ઊતરી, બે વર્ષ પછી પહેલી વખત…

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ની ટીમે પાછલી 16 ઇનિંગ્સમાં એક પણ વખત 80 ઓવર (80 overs)થી વધુ બૅટિંગ નહોતી કરી, પણ દિલ્હીમાં ભારત સામે ચાલી રહેલી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દાવમાં તેમણે 80થી વધુ ઓવર સુધી બૅટિંગ કરી એટલે તેમના માથેથી જાણે બે વર્ષની પનોતી ઊતરી ગઈ એમ કહી શકાય.
વેસ્ટ ઇન્ડિઝની ટીમે ટેસ્ટમાં છેલ્લે 2023માં એક ઇનિંગ્સમાં 80થી વધુ ઓવર બૅટિંગ કરી હતી. ત્યાર બાદ તેઓ સતત 16 ઇનિંગ્સમાં 80 ઓવરથી વધુ બૅટિંગ નહોતા કરી શક્યા. રવિવારે દિલ્હીમાં રૉસ્ટન ચેઝ ઍન્ડ કંપનીએ પહેલા દાવમાં 81.5 ઓવરમાં 248 રન કર્યા હતા. જોકે એટલા રન તેમને ફૉલો-ઑનથી નહોતા બચાવી શક્યા. બીજી ઇનિંગ્સમાં તેમણે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં 49 ઓવરમાં બે વિકેટે 173 રન કર્યા હતા. તેઓ ભારત સામે મૅચ પણ હારી જવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: IND vs WI: બુમરાહે વિન્ડિઝ બેટરને કર્યો ક્લીન બોલ્ડ, સ્ટમ્પ ઉછળીને છેક દૂર પડ્યું, જુઓ વિડીયો…
બે વર્ષે દાવમાં બીજો નવો બૉલ જોયો!
બીજી રીતે કહીએ તો કૅરિબિયનો બે વર્ષ બાદ પહેલી વાર ટેસ્ટના દાવમાં બીજો નવો બૉલ જોયો હતો. નવો બૉલ 80 ઓવર બાદ લેવાતો હોવાથી તેઓ 2023ની સાલ પછી ક્યારેય બીજા નવા બૉલથી નહોતા રમી શક્યા.
છેલ્લે 2023માં વેસ્ટ ઇન્ડિઝે એક ઇનિંગ્સમાં 80થી વધુ ઓવર બૅટિંગ કરી હતી એ મૅચ પણ ભારત સામે રમાઈ હતી. ત્યારે કૅરિબિયનોએ પોર્ટ ઑફ સ્પેનની ટેસ્ટના એક દાવમાં 80થી વધુ ઓવર બૅટિંગ કરી હતી.

વર્ષ 2025ના વર્ષની સર્વશ્રેષ્ઠ ભાગીદારી
રવિવારે વેસ્ટ ઇન્ડિઝના ઓપનર જૉન કૅમ્પબેલ (87 નૉટઆઉટ) અને શેઇ હોપ (66 નૉટઆઉટ) વચ્ચે ત્રીજી વિકેટ માટે 138 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. 2025ના વર્ષમાં વેસ્ટ ઇન્ડિઝ વતી ટેસ્ટના એક દાવમાં બનેલી આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલાં, જાન્યુઆરી 2025માં ગુડાકેશ મૉટી અને વૉરિકૅન વચ્ચે 68 રનની જે ભાગીદારી થઈ હતી એ વર્ષની સૌથી મોટી ભાગીદારી હતી.
આ પણ વાંચો: લારા શનિવારે ડ્રેસિંગ-રૂમમાં ગયો અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝની બૅટિંગ સુધરી ગઈ!