વન-ડે ક્રિકેટના 54 વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત એવું બન્યું જેમાં… | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

વન-ડે ક્રિકેટના 54 વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત એવું બન્યું જેમાં…

મીરપુર (બાંગ્લાદેશ): અહીં બાંગ્લાદેશ સામેની બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ની ટીમે અજબ વિશ્વવિક્રમ રચ્યો હતો. વન-ડે ક્રિકેટ 1971ની સાલથી રમાય છે અને એમાં ક્યારેય કોઈ એક મૅચમાં પૂરી 50 ઓવર સ્પિનર્સે નહોતી કરી, પરંતુ વન-ડેના 54 વર્ષના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે. બાંગ્લાદેશની ઇનિંગ્સમાં તમામ 50 ઓવર વેસ્ટ ઇન્ડિઝના સ્પિનર્સે (Spinners) પૂરી કરી હતી.

શેર-એ-બંગ્લાની પિચ સ્પિનર્સને વધુ ફાયદો કરાવનારી હતી અને એના પર 50 ઓવર પૂરી કરનાર આ પાંચ કૅરિબિયન સ્પિનર્સમાં લેફ્ટ-આર્મ સ્પિનર અકીલ હોસૈન, ઑફ-સ્પિનર રૉસ્ટન ચેઝ, લેફ્ટ-આર્મ સ્પિનર ખેરી પીએર, લેફ્ટ-આર્મ સ્પિનર ગુડાકેશ મૉટી અને ઑફ-સ્પિનર અલિક ઍથાનેઝનો સમાવેશ હતો. મિડિયમ પેસ બોલર જસ્ટિન ગ્રીવ્ઝ ટીમમાં હતો, પરંતુ કૅપ્ટન શાઇ હોપે માત્ર સ્પિનર્સ પર જ ભરોસો રાખ્યો હતો. તમામ સ્પિનર્સ સામે બાંગ્લાદેશના બૅટ્સમેનો સહેલાઈથી નહોતા રમી શક્યા.

આપણ વાંચો: સ્મૃતિ મંધાનાએ વન-ડેમાં છ વર્ષે ફરી મેળવી અનેરી સિદ્ધિ

બંગ્લાદેશની ટીમે પ્રથમ બૅટિંગ લીધી હતી અને 50 ઓવરમાં સાત વિકેટે 213 રન કર્યા હતા. ચેઝ અને પીએરને વિકેટ નહોતી મળી, પરંતુ મૉટીએ ત્રણ તેમ જ હોસૈન અને ઍથાનેઝે બે-બે વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશ વતી સૌથી વધુ રન ઓપનર સૌમ્ય સરકારે (89 બૉલમાં 45 રન) કર્યા હતા. કૅરિબિયન સ્પિનર્સ સામે બાંગ્લાદેશનો એક પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button