ટોપ ન્યૂઝસ્પોર્ટસ

મૅરી કૉમની ફોગાટને આડકતરી ટકોર, ‘વજનની ચોકસાઈ પોતે જ રાખવાની હોય’

મુંબઈ: કુસ્તીબાજ વિનેશ ફોગાટે જુલાઈ-ઑગસ્ટની પૅરિસ ઑલિમ્પિક્સમાં પોતાનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાને કારણે ફાઇનલમાં લડવાની લાયકાત ગુમાવી એને પગલે વિવાદમાં આવી ગઈ હતી અને તેને અનેક લોકોની સહાનુભૂતિ મળી હતી. જોકે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર અને ચાર બાળકોની મમ્મી મૅરી કૉમે મુંબઈની એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે ‘ઍથ્લીટે પોતાનું વજન ક્યારે કેટલું હોવું જોઈએ એની ખાસ તકેદારી રાખવી જોઈએ. છેવટે પોતાના વજનની ચોકસાઈ સ્પર્ધકે પોતે જ રાખવાની હોય.’

42 વર્ષની મૅરી કૉમે ઑલિમ્પિક્સમાં 50 કિલો વર્ગની ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફાય થનાર ફોગાટનું નામ નહોતું લીધું, પણ પોતાનું ઉદાહરણ આપતા પીટીઆઇને જણાવ્યું હતું કે ‘ફોગાટનો કિસ્સો બન્યો ત્યારે મને ખૂબ દુ:ખ થયું હતું. મને દુ:ખ એટલે માટે થયું હતું કે છેલ્લા ઘણા વર્ષોમાં મારે પણ વેઇટ મૅનેજમેન્ટની આકરી પરીક્ષામાંથી પસાર થવું પડ્યું છે. હું એટલું જાણું કે પોતાના વજન બાબતમાં સંચાલન કરવાની જવાબદારી ઍથ્લીટની પોતાની જ હોય. હું કોઈને દોષ ન દઈ શકું. જો નિયમ પ્રમાણેનું વજન હું ન જાળવી શકું તો સ્પર્ધામાં ભાગ જ કેવી રીતે લઈ શકું?’

મૅરી કૉમ ઑલિમ્પિક્સના બે બ્રૉન્ઝ, કૉમનવેલ્થ ગેમ્સના ત્રણ ગોલ્ડ અને એશિયન ગેમ્સ તથા એશિયન ચૅમ્પિયનશિપ્સના ઘણા મેડલ જીતી ચૂકી છે.

ફોગાટે ઑલિમ્પિક્સની ફાઇનલ પહેલાં ગણતરીના કલાકોમાં વજન ઘટાડવા કંઈ જ ખાધું-પીધું નહોતું તેમ જ માથાના થોડા વાળ કપાવ્યા હતા, આખી રાત સૂતી નહોતી અને જૉગિંગ કરવા ઉપરાંત દોરડા કૂદવાની કસરત પણ કરી હતી. જોકે તેનું વજન ઘણું ઘટવા છતાં છેવટે 100 ગ્રામ વધુ હોવાથી તેને ફાઇનલમાં લડવાની પરવાનગી નહોતી મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button