સ્પોર્ટસ

પાકિસ્તાન સામે વોર્નર અને માર્શે રચ્યો ઇતિહાસ, વોટ્સન અને હેડિનનો ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ઈતિહાસ રચાયો:બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શુક્રવારે રમાયેલી આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ દરમિયાન રન લઈ રહેલા ઑસ્ટ્રેલિયાના બૅટ્સમેન ડૅવિડ વૉર્નર અને મિશૅલ માર્શે પ્રથમ વિકેટની ભાગીદારી માટે ૨૫૯ રન ફટકારીને નવો ઈતિહાસ રચ્યો હતો. (એજન્સી)

બેંગલૂરુ: વર્લ્ડ કપની ૧૮મી મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઑસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરે સદી ફટકારી બાબરના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. બંનેએ સાથે મળીને પાકિસ્તાનના બોલરોની ધોલાઇ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૨૫૯ રનની ભાગીદારી કરી હતી. વોર્નરે ૧૨૪ બોલમાં ૧૬૩ રન કર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ૧૪ ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. માર્શે ૧૦૮ બોલમાં ૧૨૧ રન કર્યા હતા. દરમિયાન તેણે ૧૦ ફોર અને ૯ સિક્સર ફટકારી હતી.વોર્નરે તેની વન-ડે કારકિર્દીની ૨૧મી સદી ફટકારી અને માર્શે તેના કરિયરની બીજી સદી ફટકારી હતી. વોર્નર અને માર્શે સાથે મળીને ઑસ્ટ્રેલિયા માટે ઈતિહાસ પણ રચ્યો હતો. વર્લ્ડ કપમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ઑસ્ટ્રેલિયાના બંને ઓપનિંગ બેટ્સમેનોએ એક મેચમાં સદી ફટકારી હોય. માર્શની વાત કરીએ તો તેણે સદી ફટકારીને પોતાના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો. તે પોતાના જન્મદિવસ પર ઑસ્ટ્રેલિયા માટે વન-ડેમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા માટે પ્રથમ વિકેટ માટે વોર્નર અને માર્શે સૌથી મોટી ભાગીદારી પણ કરી હતી. બંનેએ સાથે મળીને ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં આ જ મેદાન પર શેન વોટસન અને બ્રેડ હેડિને કેનેડા સામે પ્રથમ વિકેટ માટે ૧૮૩ રનની ભાગીદારી કરી હતી.ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે સતત ચોથી મેચમાં સદી ફટકારી છે. તેણે અગાઉ ૨૦૧૯ વર્લ્ડ કપ દરમિયાન ટોન્ટનમાં ૧૦૭ રનની ઇનિંગ રમી હતી. આ પહેલા તેણે ૨૦૧૭માં એડિલેડમાં ૧૭૯ અને સિડનીમાં ૧૩૦ રન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button