અમેરિકાની કૉકો ગૉફના ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયનપદ પાછળનું રહસ્ય જાણવું છે?

પૅરિસઃ અમેરિકાની સેરેના વિલિયમ્સ 2002માં યુએસ ઓપન અને ફ્રેન્ચ ઓપનનું સિંગલ્સનું ટાઇટલ જીતી ત્યાર પછીના 23 વર્ષમાં સૌથી નાની ઉંમરે યુએસ ઓપન પછી હવે ફ્રેન્ચ ઓપનનું પણ ટાઇટલ જીતનારી અમેરિકાની જ 21 વર્ષની કૉકો ગૉફે (COCO GAUFF) અંગત રીતે બે પ્રકારની તરકીબથી ટ્રોફી જીતવાની મક્કમતા વધારી હતી અને ટ્રોફી જીતીને રહી.
વર્લ્ડ નંબર-ટૂ કૉકોએ નંબર-વન અરીના સબાલેન્કાને શનિવારે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં 7-6 (7-5), 2-6, 6-4થી હરાવીને બીજી ગ્રેન્ડ સ્લૅમ ટ્રોફી જીતી લીધી હતી.
આ પણ વાંચો: કૉકો ગૉફ ફ્રેન્ચ ઓપન જીતનારી છેલ્લા 23 વર્ષના ઇતિહાસની સૌથી યુવાન ખેલાડી…
સબાલેન્કા વધુ સારા ફૉર્મ સાથે ફાઇનલમાં પહોંચી હતી એટલે કૉકોને લાગ્યું કે પોતે ફાઇનલ જીતવા માટે કંઈક ખાસ કરવું પડશે. કૉકોએ ખાસ કરીને ગયા વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સની 200 મીટરની ચૅમ્પિયન ગૅબી થૉમસ પરથી પ્રેરણા લીધી હતી. ગૅબીએ એ ઑલિમ્પિક્સ પહેલાં ઘણી વાર લખ્યું હતું કે હું ઑલિમ્પિક ચૅમ્પિયન બનવાની છું.’ કૉકોએ શનિવારની ફ્રેન્ચ ઓપનની ફાઇનલ પહેલાં (શુક્રવારની રાત્રે) એક કાગળ લઈને એમાં આઠ વખત લખ્યું કે2025ની ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયન હું જ બનવાની છું.’ કૉકોએ ચાર વર્ષ પહેલાંનો ઇન્સ્ટાગ્રામ પરનો પોતાનો મૅસેજ પણ ઇન્ટરવ્યૂ લેનારને વંચાવ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે મને ગઈ કાલે રાત્રે સપનું આવ્યું કે હું ફ્રેન્ચ ઓપન જીતવાની જ છું.’ કૉકોએ રવિવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કેગૅબી થૉમસે પોતે જ ઑલિમ્પિક ચૅમ્પિયન બનવાની છે એવું ઘણી વાર લખ્યું (NOTES) અને ગોલ્ડ જીતી ગઈ. મેં તેના એ અભિગમ પરથી પ્રેરણા લીધી હતી.’
આ પણ વાંચો: અમેરિકાની સ્કૂલ ઍથ્લીટે 100 મીટરની દોડ કેવી રીતે પૂરી કરી એ જોશો તો ચોંકી જશો
કૉકોએ શુક્રવારે અરીસા (MIRROR) સામે ઊભા રહીને પણ આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરી હતી. કૉકોએ મુલાકાતમાં કહ્યું, `હું અરીસા સામે ઊભી રહી અને પોતે જ ચૅમ્પિયન બનશે એવું પોતાને સમજાવી રહી હોય એ રીતે વારંવાર બોલી હતી. મારી આ તરકીબ પણ કામ કરી ગઈ. મેં લક્ષ્ય હાંસલ કરી લીધું.’



