એટલે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે લક્ષ્મણની વરણી થઈ શકે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ ખતમ થઈ ગયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે વીવીએસ લક્ષ્મણને કોચની જવાબદારી સોંપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્રવિડનો કોન્ટ્રાક્ટ વધુ લંબાવવામાં આવશે નહીં. તેમની જગ્યાએ લક્ષ્મણને જવાબદારી સોંપવામાં આવી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીસીસીઆઇએ નવા હેડ કોચને લઈને ઘણી ચર્ચા કરી છે. બીસીસીઆઈના અધિકારીઓએ પણ દ્રવિડ સાથે વાત કરી છે. લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. પરંતુ હવે તે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બને તેવી સંભાવના છે.
બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે દ્રવિડ અને બીસીસીઆઈએ વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી છે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ટી-20 વર્લ્ડ કપ 7-8 મહિનામાં યોજાવા જઈ રહ્યો છે, તેથી નવા કોચના આવ્યા બાદ ટીમની રચના કરવી પડશે. પેટર્ન બનાવવામાં સમય લાગશે. દ્રવિડ પણ આ વાત જાણે છે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ રાહુલ દ્રવિડ આઇપીએલની કોઇ ટીમનો હેડ કોચ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લખનઉ સુપર જાયન્ટ્સ સાથે વાતચીત ચાલી રહી છે. રાજસ્થાન રોયલ્સ પણ દ્રવિડને ટીમમાં સામેલ કરવા માંગે છે. જોકે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.