કૅરિબિયન કૅપ્ટને કૅચ આપ્યો એટલે સ્ટૅન્ડમાં બેઠેલા રિચર્ડ્સ-લારા થયા ગુસ્સે!

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજો વિવ રિચર્ડ્સ (Richards) અને બ્રાયન લારા (Lara) અહીં ભારત સામેની બીજી ટેસ્ટમાં શનિવારની બીજા દિવસની રમત માણવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં આવ્યા હતા, પરંતુ તેમને પોતાના દેશના ખેલાડીઓનો ખાસ કોઈ કરિશ્મા તો જોવા ન મળ્યો, ઉલટાનું કૅપ્ટન રૉસ્ટન ચેઝે (Chase) પોતાના ઝીરો પર રવીન્દ્ર જાડેજાને જે રીતે વળતો કૅચ આપી દીધો એ જોઈને આ બન્ને મહાન ખેલાડીઓ નિરાશ થવાની સાથે થોડા ગુસ્સે પણ થયા હતા.
રૉસ્ટન ચેઝના સુકાનમાં ભારતમાં ટેસ્ટ-સિરીઝ રમવા આવેલી ટીમમાં કોઈ મોટા નામવાળા ખેલાડીઓ નથી. જોકે તેમણે અમદાવાદની પ્રથમ ટેસ્ટની તુલનામાં શનિવારે દિલ્હીની ટેસ્ટના પ્રથમ દાવમાં બીજા દિવસે થોડી સારી બૅટિંગ કરી હતી અને રમતના અંત સુધીમાં ચાર વિકેટના ભોગે તેમનો સ્કોર 140 રન હતો.
ઍલિક ઍથાનેઝે પોતાના 41 રનના સ્કોર પર અને કુલ 106 રનના સ્કોર પર કુલદીપ યાદવના બૉલમાં વિકેટ ગુમાવી ત્યારે કૅપ્ટન રૉસ્ટન ચેઝ પાંચમા ક્રમે બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો હતો. રિચર્ડ્સ-લારાને ચેઝ પાસે ઘણી આશા હતી. જોકે એ વખતે લેફ્ટ-હૅન્ડ સ્પિનર રવીન્દ્ર જબરદસ્ત ફૉર્મમાં હતો અને તેના સ્પિન સામે બચવું ચેઝ માટે મુશ્કેલ હતું.
ચેઝ હજી તો ક્રીઝમાં માંડ સેટલ થયો ત્યાં તો જાડેજાના શાર્પ ટર્નમાં ચેઝે ફ્લિકથી બૉલને લેગ સાઇડ તરફ મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ ઉતાવળમાં તે ખુદ જાડેજાને જ સીધો કૅચ આપી બેઠો હતો. જાડેજાએ કોઈ જ ભૂલ નહોતી કરી. રિચર્ડ્સ અને લારા આ જોઈને ચોંકી ગયા હતા.
તેમણે એક સંકેત આપ્યો હતો જેમાં તેઓ એવું કહેવા માગતા હતા કે સ્પિનરના આવા ટર્નમાં રાઇટ-હૅન્ડ બૅટરે મૂંઝાઈ જવાને બદલે બૉલને ઑફ સાઇડ પર મોકલી દેવો જોઈએ. આ વિકેટ સાથે કૅરિબિયન ટીમ વધુ મુસીબતમાં મૂકાઈ ગઈ હતી. રમતને અંતે વેસ્ટ ઇન્ડિઝનો પ્રથમ દાવનો સ્કોર 4/140 હતો.