વિવ રિચર્ડ્સ અને હૂપર ગુસ્સે થયા લારા પર….કહી દીધું, ‘જાહેરમાં માફી માગી લે’
બ્રિજટાઉન: વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન બ્રાયન લારાએ પોતાને જ ગંભીર વિવાદમાં ફસાવી દીધો છે. ક્રિકેટ-લેજન્ડ વિવિયન રિચર્ડ્સ અને ભૂતપૂર્વ સુકાની કાર્લ હૂપરે લારાને કહ્યું છે કે તારે ખોટી કમેન્ટ લખવા બદલ જાહેરમાં માફી માગવી પડશે.
બ્રાયન લારાએ તાજેતરમાં રિલીઝ કરાયેલા ‘લારા: ધ ઇંગ્લૅન્ડ ક્રોનિકલ્સ’ ટાઈટલવાળા પોતાના પુસ્તકમાં લખ્યું છે કે “વિવ રિચર્ડ્સ ઘણીવાર અમારા ડ્રેસિંગ રૂમમાં આવતા હતા. તેમનો બોલવાનો ટોન એટલો સ્ટ્રોન્ગ અને ડરામણો હતો કે હું તો દર ત્રણ અઠવાડિયે એક વખત તો રડી જ પડતો હતો. જોકે કાર્લ હૂપર દર અઠવાડિયે એક વાર રડતો જ હતો. માનસિક રીતે જો તમે મજબૂત ન હો અને આવા સ્ટ્રોન્ગ અવાજને પર્સનલી લઈ લો તો તમારા મગજ પર વિપરીત અસર થઈ જ જાય.”
લારાએ પુસ્તકમાં વધુમાં લખ્યું છે કે “મને તો તેમના એવા ટોનની ખાસ કંઈ અસર થતી જ નહોતી. ઊલ્ટાનું, હું તો તેમનો એવો ટોન આવકારતો હતો. હું તેમના હાથ નીચે રહીને તૈયાર થયો છું એટલે ધારી જ લેતો હતો કે હમણાં એકાદ ગાળ તો આવશે જ. બીજું, મારું મનોબળ પણ ઘણું મજબૂત હતું. જોકે હૂપર તો તેનાથી દૂર રહેવાનું જ પસંદ કરતો હતો. “
હૂપરે લારાના આ વિચારોને ખોટા ગણાવતા કહ્યું છે કે “ વિવિયન રિચર્ડ્સને કારણે હું ક્યારેય માનસિક રીતે અસ્વસ્થ થયો જ નહોતો. તેઓ તો અમને ઉત્સાહ અપાવતા હતા અને અમને સપોર્ટ પણ કરતા હતા.”
રિચર્ડ્સ અને હૂપર વતી સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે “ રિચર્ડ્સ અને હૂપર ભૂતપૂર્વ ખેલાડી લારાના પુસ્તકમાં દર્શાવવામાં આવેલી ખોટી માહિતી બદલ ખૂબ નારાજ છે. આ પુસ્તકમાં કરાયેલી ખોટી રજૂઆતો (ખોટા આક્ષેપો) ગેરમાર્ગે દોરે છે. આ રજૂઆતો પ્રતિભાશાળી ખેલાડીઓની ઈમેજને નુકસાન પહોંચાડનારી તેમ જ બંને ખેલાડીઓને તથા તેમના પરિવારોના દિલને ઠેસ પહોંચાડનારી પણ છે.”
રિચર્ડ્સ અને હૂપરે ભારપૂર્વક જણાવ્યું છે કે બ્રાયન લારાએ પુસ્તકમાં આવું ખોટું રજૂ કરવા જાહેરમાં બદલ માફી માગવી પડશે.
Also Read –