સ્પોર્ટસ

સૌરાષ્ટ્રને આ જાડેજાએ પહોંચાડી દીધું ફાઇનલમાં

બેંગલૂરુઃ મૂળ અમદાવાદના 27 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન વિશ્વરાજ જાડેજા (165 રન, 127 બૉલ, ત્રણ સિક્સર, અઢાર ફોર)એ શુક્રવારે અહીં સૌરાષ્ટ્રને વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં આસાન પ્રવેશ અપાવ્યો હતો. પંજાબ સામેની સેમિ ફાઇનલમાં 27 વર્ષના જ લેફ્ટ-આર્મ પેસ બોલર ચેતન સાકરિયા (60 રનમાં ચાર વિકેટ) તેમ જ અંકુર પન્વાર (54 રનમાં બે વિકેટ) તથા ચિરાગ જાની (73 રનમાં બે વિકેટ)ના પણ આ જીતમાં મહત્ત્વના યોગદાન હતા.

પંજાબે અનમોલપ્રીત સિંહના 100 રન તથા કૅપ્ટન-વિકેટકીપર પ્રભસિમરન સિંહના 87 રનની મદદથી 50 ઓવરમાં 291 રન કર્યા હતા. સૌરાષ્ટ્રને જીતવા 292 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ એણે ફક્ત 39.3 ઓવરમાં એક જ વિકેટના ભોગે 293 રન કરીને શાનથી નિર્ણાયક મુકાબલામાં પ્રવેશ કર્યો હતો જેમાં રવિવાર, 18મી જાન્યુઆરીએ (બપોરે 1.30 વાગ્યાથી) બેંગલૂરુમાં એની ટક્કર વિદર્ભ સાથે થશે.

સૌરાષ્ટ્રએ પડકારરૂપ લક્ષ્યાંક મેળવવા માટે ખૂબ સારી શરૂઆત કરી હતી. પ્રારંભમાં જ તેમને વિના મહેનતે પાંચ રન બન્યા હતા. પંજાબના બૅટ્સમેનો તેમની ઇનિંગ્સ દરમ્યાન પિચ પર વારંવાર દોડ્યા હોવાથી સૌરાષ્ટ્રના ખાતામાં પાંચ રન લખી નાખવામાં આવ્યા હતા. છેક 23મી ઓવરમાં 172 રનના સ્કોર પર સૌરાષ્ટ્રની પહેલી વિકેટ પડી હતી.

વિશ્વરાજ જાડેજા અને હાર્વિક દેસાઈ (64 રન, 63 બૉલ, નવ ફોર) વચ્ચે 172 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી જે પંજાબને ભારે પડી હતી, કારણકે સૌરાષ્ટ્ર (Saurashtra)ના બન્ને ઓપનરે જીતનો બહુ મજબૂત પાયો નાખી આપ્યો હતો. સાતમી ઓવર પંજાબના ક્રિશ ભગતે કરી હતી જેમાં બન્ને ઓપનરે કુલ 23 રન કર્યા હતા. સૌરાષ્ટ્રનો સ્કોર 120 રન હતો ત્યારે વિશ્વરાજને જીવતદાન મળ્યું હતું.

172 રનના સ્કોર પર હાર્વિક દેસાઈની વિકેટ પડ્યા પછી પ્રેરક માંકડ (બાવન અણનમ, 49 બૉલ, સાત ફોર) સાથે વિશ્વરાજે (Vishvaraj) 121 રનની અતૂટ ભાગીદારી કરી હતી. પંજાબના સાતમાંથી એકમાત્ર ગુરનૂર બ્રારને એક વિકેટ મળી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button