આઇસીસી રૅન્કિંગમાં વિરાટની છલાંગ, રોહિતનું સિંહાસન છીનવી શકે

દુબઈઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની મધ્યમાં આઇસીસીએ વન-ડેના નવા રૅન્કિંગ જાહેર કર્યા છે જે મુજબ વિરાટ કોહલીને મોટો ફાયદો થયો છે. રવિવારે રાંચીમાં સિરીઝની પ્રથમ વન-ડેમાં મૅચ-વિનિંગ 135 રન કરનાર વિરાટ (VIRAT)ના રેટિંગ વધીને 751 થઈ ગયા છે અને તે ચોથા નંબર પર આવી ગયો છે.

વિરાટ અને રોહિત શર્મા વચ્ચે માત્ર 32 પૉઇન્ટનું અંતર છે. પહેલા ક્રમના રોહિત અને ચોથા ક્રમના વિરાટ વચ્ચે હવે ફક્ત બે ખેલાડી (ડેરિલ મિચલ અને ઇબ્રાહિમ ઝડ્રાન) છે.
વિરાટના 751ના રેટિંગ (RATING) સામે મોખરાના રોહિતના 783 પૉઇન્ટ છે. મિચલના 766 તથા ઝડ્રાનના 764 રેટિંગ છે. ખરેખર તો વિરાટે ભારતના જ શુભમન ગિલ પાસેથી ચોથો નંબર આંચકી લીધો છે. ગિલ પાંચમા નંબરે ગયો છે જ્યાં તેની પાસે 738 રેટિંગ છે.
આ પણ વાંચો: આઇસીસી રૅન્કિંગમાં ફરી ઊથલપાથલ એક ભારતીયની લાંબી છલાંગ, બીજાને મેાટું નુકસાન
વિરાટ રાયપુરમાં બુધવારની બીજી વન-ડેમાં પણ સારું રમ્યો હોવાથી તેના માટે હવે મોખરાની રૅન્ક પાછી મેળવવી અશક્ય નથી. પાછલા દશકમાં તે સતત ત્રણ વર્ષ સુધી નંબર-વન હતો.
દરમ્યાન, વન-ડેના બોલર્સમાં કુલદીપ એક સ્થાન આગળ આવ્યો છે. સતત સારી બોલિંગને કારણે તે હવે છઠ્ઠા ક્રમે છે. તેણે ન્યૂ ઝીલૅન્ડના મિચલ સૅન્ટનરને સાતમા નંબર પર ધકેલી દીધો છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન નંબર વન છે, જ્યારે બીજા નંબરે જોફ્રા આર્ચર અને ત્રીજા નંબરે કેશવ મહારાજ છે.



