(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાનખેડેમાં આઇપીએલની આ સીઝનમાં સુપરસ્ટાર બેટર્સની ફ્લૉપ શરૂઆતનો ગજબનો સિલસિલો જોવા મળ્યો.
ગયા સોમવારે રાજસ્થાન સામેની મૅચમાં મુંબઈનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા હજારો પ્રેક્ષકોની ઊંચી અપેક્ષા વચ્ચે તેના પહેલાં બૉલમાં જ (ગોલ્ડન ડકમાં) આઉટ થઈ ગયો હતો. રવિવારે કમબેકમૅન અને ટી-૨૦ ઇન્ટરનેશનલના વર્લ્ડ નંબર વન બૅટર સૂર્યકુમાર યાદવે તેના બીજા બૉલ પર વિકેટ ગુમાવી હતી.
અહીં વાનખેડેમાં આ વખતે બેંગ્લૂરુંનો ‘વિરાટ’ પ્લેયર અને આ વખતે ઓરેન્જ કૅપ ધરાવતો વિરાટ કોહલી મુંબઈ સામે તેના નવમા બૉલ પર ફક્ત ત્રણ રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો. હજારો લોકો, ખાસ કરીને તેના ડાઇ-હાર્ડ પ્રેક્ષકો (મુંબઈ તેમ જ બેંગ્લૂરુ તરફી પ્રેક્ષકો) વિરાટની કોહલીની ફટકાબાજી શરૂ થવાની જોતા બેઠા હતા. સ્ટેડિયમની બહાર હજી લાંબી કતાર હતી. તેઓ વિરાટની આતશબાજી ગુમાવવી પડશે એની ચિંતામાં હતા. જોકે બુમરાહે વિરાટને સાવ સસ્તામાં પૅવિલિયન ભેગો કરી દીધો.
જસપ્રીત બુમરાહના બૉલમાં વિરાટ લેગ સાઈડ પર શોટ મારવા ગયો, પણ તેના બેટની એજ લાગી અને વિકેટકીપર ઈશાન કિશને ડાબી તરફ ડાઇવ મારીને કૅચ પકડી લીધો હતો.
બુમરાહને અગાઉ ચાર વાર વિકેટ આપી બેઠેલો કોહલી તેની બોલિંગમાં પાંચમી વખત આઉટ થયો.
વાનખેડે વિરાટ માટે આઈપીએલમાં ૨૦૧૯ની સાલથી શુકનવંતુ નથી. ગુરુવારે તેણે ત્રણ રન બનાવ્યા અને આઉટ થયો, એ પહેલાં ૨૦૨૩માં માત્ર એક રને આઉટ થયો હતો અને એ અગાઉ ૨૦૧૯માં તેણે આઠ રને વિકેટ ગુમાવી હતી.
Taboola Feed