“વિરાટ મારી સામે થૂક્યો એટલે મેં તો તેને સીધી ધમકી જ઼ આપી”…જાણો આવું ચોંકાવનારું કોણ બોલ્યું…
ડરબન: આપણો એવરી-ગ્રીન અને એવર-ફિટ ક્રિકેટર વિરાટ કોહલી છે તો એમએસ ધોનીનો શિષ્ય, પરંતુ મન:સ્થિતિની બાબતમાં બંને વચ્ચે મોટો તફાવત છે. ધોની ‘કૂલ કેપ્ટન’ અને વિરાટ આક્રમક મિજાજવાળો.
વિરાટ કારકિર્દીની શરૂઆતમાં ખૂબ ગુસ્સાવાળો હતો. હરીફ ખેલાડીઓ તો ઠીક, પત્રકારો અને કેમેરામેન પર ભડકી જતો હતો.
તાજેતરમાં નિવૃત્ત થયેલા સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન ડીન એલ્ગરે ‘બેટવે’ને પોડકાસ્ટ પર આપેલી મુલાકાતમાં વિરાટ વિશે પૂછાતા એક જૂનો કિસ્સો સંભળાવ્યો. એલ્ગરે ‘બેન્ટર વિથ ધ બોય્સ’ પોડકાસ્ટ પર આક્ષેપ કરતા કહ્યું, “હું વર્ષો પહેલાં જ્યારે પહેલી વાર ભારતના પ્રવાસે આવેલો ત્યારે પહેલી વખત વિરાટ સામે રમ્યો એની વાત કરું. હું બૅટિંગ કરવા આવ્યો ત્યારે આર. અશ્વિનનો અને પેલો કોણ…જેજા… જેજા… જેજા…(રવીન્દ્ર જાડેજા)નો સામનો કેવી રીતે કરવો એની ચિંતામાં હતો ત્યારે કોણ જાણે અચાનક જ વિરાટ મારી સામે થૂક્યો. હું તો ચોંકી જ઼ ગયો. મને થયું કે આ કેમ એવું કરે છે. મેં તો તેને કહી દીધું કે ફરી આવું કરીશ તો… આ બૅટ જોયું છેને? ફટકારી દઈશ, તને ગ્રાઉન્ડની બહાર મોકલી આપીશ, સમજ્યો? જવાબમાં વિરાટે મને કહ્યું, “જા હવે જા…ફાલતુ વાત ન કર. આપણે ઇન્ડિયામાં રમી રહ્યા છે, ખબર છેને? એટલે ચેતવાનું તારે છે, મારે નહીં, સમજ્યો?
તમે વિરાટને તમારી સ્ટાઈલમાં ચેતવણી આપી તો તેને તરત સમજાઈ ગયું હતું? એવું પૂછાતા એલ્ગરે કહ્યું, “હાસ્તો. ના શું સમજે. અમારો એબી ડિવિલિયર્સ તેની સાથે આરસીબીમાં હતો જ એટલે મારી સ્ટાઇલની ધમકી તેને તરત સમજાઈ ગઈ હતી. જોકે ડિવિલિયર્સે પછીથી મારી સાથેની મચમચ વિશે બધું જાણ્યા બાદ વિરાટને એક દિવસ મોકો મળતા પૂછી લીધું કે કેમ ભાઈ, તું અમારા એલ્ગર સામે કેમ થૂકેલો? ડિવિલિયર્સની દરમ્યાનગીરીની સારી અસર એ થઈ કે બે વર્ષ પછી સાઉથ આફ્રિકામાં વિરાટે મારી માફી માગી અને મને કહ્યું કે મૅચ પછી આપણે સાથે ડ્રિન્ક લઈશું. અમે પીવા ગયા અને મોડી રાતે ત્રણ વાગ્યા સુધી બિયર બારમાં અમે ખૂબ ગપ્પા માર્યા હતા.”
તાજેતરમાં એલ્ગર રીટાયર થયો ત્યારે વિરાટ તેને ફેરવેલ મૅચ પછી ભેટ્યો હતો, તેની કરીઅરને બિરદાવી હતી અને પોતાના ઓટોગ્રાફવાળી જર્સી તેને ભેટ આપી હતી.
એલ્ગરે ૮૬ ટેસ્ટમાં ૫,૩૪૭ રન બનાવ્યા હતા જેમાં ૧૪ સેન્ચુરી અને ૨૩ હાફ સેન્ચુરી સામેલ હતી. જોકે ભારતે કેપ ટાઉનમાં બીજી ટેસ્ટ જીતીને સિરીઝ ૧-૧થી લેવલ કરીને એલ્ગરને તેની છેલ્લી ટેસ્ટમાં પરાજય સાથે ફેરવેલ આપી હતી.