વિરાટ જ્યારે લંડનમાં રોડ ક્રૉસ કરતો જોવા મળ્યો…વીડિયો વાઇરલ થયો

લંડન: જૂનના ટી-20 વર્લ્ડ કપનો હીરો વિરાટ કોહલી તાજેતરમાં કોલંબોમાં શ્રીલંકા સામેની ત્રણ વન-ડેમાં 24, 14 અને 20 રનની ઇનિંગ્સ રમ્યો અને ભારતે એ શ્રેણીમાં 0-2થી હાર જોવી પડી હતી. જોકે એકંદરે ભારતની બૅટિંગ લાઇન-અપ ફ્લૉપ રહી હતી અને ટી-20 સિરીઝમાં મળેલી ટ્રોફી બાદ વન-ડેમાં ભારતે પરાજય જોવો પડ્યો હતો. એ આઘાત બાદ વિરાટ કોહલી લંડન તેના પરિવાર પાસે પાછો પહોંચી ગયો હતો અને એમાં એક દિવસ તે લંડનના એક રસ્તા પર એકલો રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેના એક ચાહકે તેનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો વાઇરલ થયો છે.
ભારતની આગામી ઇન્ટરનૅશનલ સિરીઝ (બાંગ્લાદેશ સામે) હવે મહિના બાદ રમાશે. વિરાટને પાંચમી સપ્ટેમ્બરે શરૂ થનારી દુલીપ ટ્રોફી સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાંથી પણ આરામ અપાયો છે.
દરમ્યાન, વિરાટ રસ્તાની વચ્ચેના ડિવાઇડર પાસે ઊભા રહીને કોઈકને કંઈક કહી રહેલો જોવા મળ્યો હતો.
વિરાટ ભારતમાં ક્યાંય પણ હોય ત્યારે છૂટથી એકલો ક્યાંય ન જઈ શકે, કારણકે તેની સલામતી જોખમમાં મૂકાઈ જાય અને ચાહકો તેને ઘેરી વળે. જોકે લંડનમાં તે ઘણા દિવસથી પરિવાર સાથે રહે છે અને ત્યાં ફૅમિલી સાથે મંદિર સહિત ઘણા સ્થળે જઈ આવ્યો છે.
શ્રીલંકા સામેની સિરીઝ પહેલાં (ટી-20 વર્લ્ડ કપના વિજય બાદ) તે પત્ની અનુષ્કા તેમ જ પુત્રી વામિકા અને નવજાત પુત્ર અકાય સાથે લંડનમાં હતો અને કોલંબોમાં રમી લીધા બાદ પાછો ત્યાં પહોંચી ગયો છે.
અનુષ્કાએ આ વર્ષની 15મી ફેબ્રુઆરીએ પુત્ર (અકાય)ને જન્મ આપ્યો હતો. એ સમયે વિરાટે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક લીધો હતો અને ઇંગ્લૅન્ડમાં પરિવારની પાસે હતો.