Back to basics: વિરાટ-રોહિત સહીત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા આ 9 ખેલાડીઓ રણજી ટ્રોફી રમશે
મુંબઈ: ઓસ્ટ્રેલીયામાં રમાયેલી પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team)નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, ખાસ કરીને ટીમના બેટર્સના નબળા પ્રદર્શન કારણે ટીમને સિરીઝમાં 1-3થી હાર મળી. આ સિરીઝ બાદ ખેલાડીઓનું પ્રદર્શન સુધારવા બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ એક સમીક્ષા બેઠક યોજી હતી, BCCIએ ખેલાડીઓ માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે, જેનો અસર જોવા મળી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલા 9 ખેલાડીઓ રણજી ટ્રોફીની મેચ રમતા જોવા મળશે.
રણજી ટ્રોફીની સિઝન ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સિનીયર બેટર વિરાટ કોહલી પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમશે. BCCI એ નવી ગાઈડલાઈન્સમાં ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું ફરજિયાત બનાવ્યું છે.
મુંબઈ ટીમમાં સ્ટાર ખેલાડીઓ:
જમ્મુ અને કાશ્મીર સામેની મેચમાં મુંબઈની ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા રમતા જોવા મળશે. રોહિતે અગાઉ ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આ પછી તેણે રણજી મેચ માટે પોતે ઉપલબ્ધ હોવાની જાહેરાત કરી હતી. આ બંને બેટર્સ જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકના બોલનો સામનો કરશે.
દિલ્હીની ટીમ:
23 જાન્યુઆરીથી દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ શરુ થશે. આ પછી, દિલ્હીની ટીમ 30 જાન્યુઆરીએ રેલવે ટીમ સામે રમશે. રેલવે સામેની મેચમાં વિરાટ કોહલી દિલ્હી ટીમનો ભાગ રહેશે. વિરાટ કોહલી 12 વર્ષ પછી ફર્સ્ટ ક્લાસ મેચ રમશે. પંત પણ લાંબા સમય પછી દિલ્હી ટીમનો ભાગ હશે.
રવિન્દ્ર જાડેજા:
રવિન્દ્ર જાડેજા સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી રમશે. જાડેજા ઉપરાંત સિનીયર બેટર ચેતેશ્વર પૂજારા પણ સૌરાષ્ટ્રની ટીમમાં હશે. જાડેજાએ 2023માં રણજી ટ્રોફીની મેચ પણ રમી હતી. ત્યારે સૌરાષ્ટ્રએ તમિલનાડુને હરાવ્યું હતું.
પડિકલ અને પ્રસિદ્ધ કૃષ્ણ
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ફક્ત એક જ મેચ રમનારો દેવદત્ત પડિકલ પણ રણજી ટ્રોફીમાં જોવા મળશે. તે મયંક અગ્રવાલના કેપ્ટનશીપ હેઠળ કર્ણાટક તરફથી રમશે. તેમના ઉપરાંત, પ્રસિદ્ધ કૃષ્ણા પણ ટીમનો ભાગ હશે.
આ પણ વાંચો : Hitman Rohit Sharma એ ચેમ્પિયન ટ્રોફી અંગે આપ્યું મોટું નિવેદન, ક્રિકેટપ્રેમીઓને શું કહ્યું?
મોહમ્મદ સિરાજ:
મોહમ્મદ સિરાજ પણ રણજી ટ્રોફીમાં પણ જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિરાજ 30 જાન્યુઆરીથી શરૂ થનારી છેલ્લી લીગ મેચમાં હૈદરાબાદ તરફથી રમશે.