સ્પોર્ટસ

વિરાટ 5,783 દિવસે રમ્યો વિજય હઝારે ટ્રોફીમાંઃ 16,000 રનનો સચિનનો વિશ્વવિક્રમ તોડ્યો

રોહિત શર્માએ વૉર્નરની બરાબરી કરી, ધમાકેદાર સેન્ચુરી સાથે મુંબઈને જિતાડ્યું

બેંગલૂરુઃ ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી (Virat Kohli) અને ` હિટમૅન’ રોહિત શર્મા માટે વિજય હઝારે ટ્રોફી નામની લિસ્ટ-એ વન-ડે ટૂર્નામેન્ટ આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં લિસ્ટ-એ ફૉર્મેટ મર્યાદિત ઓવર્સમાં સર્વોત્તમ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી એક સ્તર ઊતરતું ફૉર્મેટ ગણાય છે. વિજય હઝારે ટ્રોફી લિસ્ટ-એ ટૂર્નામેન્ટ છે અને એમાં કોહલી સૌથી ઝડપે (330 ઇનિંગ્સમાં) 16,000 રન પૂરા કરનારો ખેલાડી બન્યો છે. તેણે સચિન તેન્ડુલકરનો વર્ષો જૂનો વિક્રમ તોડી નાખ્યો છે. ખરેખર તો કોહલી 15 વર્ષે (અંદાજે 5,783 દિવસ બાદ) વિજય હઝારે (Vijay Hazare trophy) ટ્રોફીમાં રમ્યો હતો. આ પહેલાં તે 2010ની 10મી ફેબ્રુઆરીએ આ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો. ત્યારે તે બાવીસ વર્ષનો હતો.

સચિન તેન્ડુલકરે ડોમેસ્ટિક વન-ડેના લિસ્ટ-એ ફૉર્મેટમાં 16,000 રન 391 ઇનિંગ્સમાં બનાવ્યા હતા. વાસ્તવમાં કોહલીએ લિસ્ટ-એ ફૉર્મેટમાં 10,000 રન પછી દરેક 1,000 રન અન્યો કરતાં સૌથી ઓછી ઇનિંગ્સમાં કર્યા છે. કોહલીએ આ સિદ્ધિ બુધવારે બેંગલૂરુમાં આંધ્ર સામેની મૅચમાં મેળવી હતી. આંધ્રના 8/298ના સ્કોર સામે દિલ્હીએ 37.4 ઓવરમાં છ વિકેટે 300 રન કરીને વિજય મેળવ્યો હતો.

બેંગ્લૂરુના સ્ટેડિયમમાં સલામતીના કારણસર પ્રેક્ષકોને એન્ટ્રી ન હોવાથી કેટલાકે ઝાડ પર બેસીને કોહલીની બૅટિંગ માણી હતી.

કોહલીની વિકેટ એસ. રાજુએ લીધી

દિલ્હીએ આંધ્રને 74 બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું અને એમાં દિલ્હીના દિગ્ગજ બૅટ્સમૅન વિરાટ કોહલી (131 રન, 101 બૉલ, ત્રણ સિક્સર, 14 ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. ઓપનર પ્રિયાંશ આર્ય (74 રન, 44 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) સાથે કોહલીની બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ કોહલીએ નીતીશ રાણા (77 રન, પંચાવન બૉલ, બે સિક્સર નવ ફોર) સાથે ત્રીજી વિકેટ માટે 160 રનની મૅચ-વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. કોહલી 274 રનના કુલ સ્કોર પર આંધ્રના પેસ બોલર સત્યનારાયણ રાજુના બૉલમાં કૅચઆઉટ થયો ત્યાં સુધીમાં દિલ્હીની ટીમ વિજયની નજીક પહોંચી ગઈ હતી. એ પહેલાં, આંધ્રએ રિકી ભુઈ (122 રન, 105 બૉલ, સાત સિક્સર, અગિયાર ફોર)ની સદીની મદદથી આઠ વિકેટે 298 રન કર્યા હતા. રિષભ પંતના સુકાનમાં રમનાર દિલ્હીની ટીમ વતી પેસ બોલર સિમરજિત સિંહે પાંચ અને ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે ત્રણ વિકેટ લીધી હતી.

જયપુરમાં રોહિત શર્માએ વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ વતી વિજયી સદી ફટકારવા ઉપરાંત આ ડોમેસ્ટિક લિસ્ટ-એ ફૉર્મેટની રેકૉર્ડ0-બુકમાં ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરની બરાબરી કરી છે. વૉર્નરની જેમ હવે રોહિતની પણ લિસ્ટ-એમાં નવ 150-પ્લસ સ્કોર છે.

રોહિતનો ચોક્કા-છગ્ગાનો વરસાદ

જયપુરમાં વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં બુધવારે ખ્યાતનામ ખેલાડીઓએ ભાગ લીધો જેમાં મુંબઈની મૅચમાં રોહિત શર્મા સુપરસ્ટાર હતો. તેણે નવ છગ્ગા અને અઢાર ચોક્કાની મદદથી 94 બૉલમાં 155 રન કરીને મુંબઈને રોમાંચક અને દમામદાર વિજય અપાવ્યો હતો. સિક્કિમે 50 ઓવરમાં સાત વિકેટે 236 રન કર્યા બાદ મુંબઈએ રોહિત શર્માની સદીની મદદથી આસાન વિજય મેળવી લીધો હતો. રોહિત 226મા રને આઉટ થયો ત્યારે મુંબઈની ટીમ વિજયની લગોલગ આવી ગઈ હતી અને મુશીર ખાન (27 અણનમ) તથા તેના મોટા ભાઈ સરફરાઝ ખાન (આઠ અણનમ)ની જોડીએ ટીમને વિજયના દ્વાર સુધી પહોંચાડી દીધી હતી. એ પહેલાં, રોહિતે સાથી ઓપનર અંગક્રિશ રઘુવંશી (38 રન) સાથે 141 રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ રોહિત અને મુશીર ખાન વચ્ચે બીજી વિકેટ માટે 85 રનની પાર્ટનરશિપ થઈ હતી. 30.3 ઓવરમાં મુંબઈએ લક્ષ્યાંક મેળવી લીધો હોવાથી સિદ્ધેશ લાડ સહિતના બીજા બૅટ્સમેનોએ બૅટિંગ કરવાની જરૂર જ નહોતી પડી. એ અગાઉ, સિક્કિમને 236 રન સુધી સીમિત રખાવવામાં મુંબઈના કૅપ્ટન શાર્દુલ ઠાકુર (19 રનમાં બે વિકેટ)ની સૌથી મોટી ભૂમિકા હતી.

વિજય હઝારેની અન્ય મુખ્ય મૅચોમાં કોનો વિજય

(1) આસામ (282 રન) સામે બરોડા (5/283)નો પાંચ વિકેટે વિજય
(2) ઓડિશા (6/345) સામે સૌરાષ્ટ્ર (5/347)નો પાંચ વિકેટે વિજય
(3) પંજાબ (6/347)નો મહારાષ્ટ્ર (8/296) સામે 51 રનથી વિજય
(4) સર્વિસીઝ (10/184) સામે ગુજરાત (2/185)નો આઠ વિકેટે વિજય
(5) તમિળનાડુ (7/310)નો પોંડિચેરી (10/209) સામે 101 રનથી વિજય
(6) મધ્ય પ્રદેશ (5/287)નો રાજસ્થાન (10/188) સામે 99 રનથી વિજય
(7) ઝારખંડ (9/412) સામે કર્ણાટક (5/413)નો પાંચ વિકેટે વિજય
(8) ચંડીગઢ (10/208) સામે જમ્મુ-કાશ્મીર (0/209)નો 10 વિકેટે વિજય
(9) ઉત્તર પ્રદેશ (5/324)નો હૈદરાબાદ (10/240) સામે 84 રનથી વિજય
(10) વિદર્ભ (5/382) સામે બેન્ગાલ (7/383)નો ત્રણ વિકેટે વિજય

આપણ વાંચો:  એક દિવસમાં ત્રણ ધમાકાઃ વૈભવની 36 બૉલમાં, ગનીની 32 બૉલમાં અને કિશનની 33 બૉલમાં સેન્ચુરી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button