ન્યુઝીલેન્ડ સામે વિરાટ ઝીરો પર આઉટ થતા લોકોએ નિવૃત્તિની માંગ કરી

બેંગલુરુ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ (IND vs NZ 1st Test)બેંગલુરુમાં રમાઈ રહી છે, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો ધબડકો થઈ ગયો, માત્ર 46 રનમાં ભારતના બધા જ બેટ્સમેન આઉટ થઇ ગયા. ટીમ ઈન્ડીયાના પંચ બેટ્સમેન ખાતું પણ ના ખોલાવી શક્યા. વિરાટ કોહલી ફરી ટ્રોલ્સના નિશાના પર આવી ગયો છે, લોકો સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને નિવૃત્તિ લેવા કહી રહ્યા છે.
શુભમન ગિલ અનફિટ હોવાના કારણે આ મેચમાં નથી રમી રહ્યો. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિતને બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. શુભમનની ગેરહાજરીમાં, વિરાટને ચોથાથી ત્રીજા સ્થાને બેટિંગ કરવા માટે પ્રમોટ કરવામાં આવ્યો હતો.
વિરાટ લગભગ આઠ વર્ષ બાદ ટેસ્ટમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ વિરાટ 9 બોલ રમીને એક પણ નોંધાવ્યા વગર આઉટ થઇ ગયો. છેલ્લી વખત 2016માં વિરાટ ગ્રોસ આઈલેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતાર્યો હતો.
ટેસ્ટમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતા વિરાટે સાત ઇનિંગ્સ રમી છે અને 16.16ની એવરેજથી રન બનાવ્યા છે. તેણે સાત ઇનિંગ્સમાં માત્ર 97 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર બેટિંગ કરતા 41 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.
કોહલીના ઝીરો પર આઉટ થવાથી સોશિયલ મીડિયા પર યુઝર્સ રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા યુઝર્સ વિરાટને ટ્રોલ કરી રહ્યા છે અને વિરાટને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાની કરી રહ્યા છે.