વિરાટ પહોંચી ગયો વિશાખાપટનમના શ્રી વરાહા લક્ષ્મી મંદિરે

વિશાખાપટનમઃ ભારતે શનિવારે અહીં વિશાખાપટનમમાં સાઉથ આફ્રિકાને નિર્ણાયક વન-ડેમાં હરાવીને 2-1ની સરસાઈ સાથે આ દેશ સામે ટ્રોફી જીતવાની હૅટ-ટ્રિક નોંધાવી એના બીજા દિવસે (રવિવારે) પ્લેયર ઑફ ધ સિરીઝ વિરાટ કોહલીએ આંધ્ર પ્રદેશના આ જ શહેરના સિંહાચલમમાં શ્રી વરાહા લક્ષ્મી નરસિંહ સ્વામી ટેમ્પલની મુલાકાત લીધી હતી અને પૂજા-અર્ચનાની વિધિમાં ભાગ લેવા સહિત તેણે મંદિરમાં ઘણો સમય વીતાવ્યો હતો.
ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર (Sundar) પણ તેની સાથે હતો. ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપ તેમ જ આંધ્ર ક્રિકેટ ઍસોસિયેશનના સ્ટાફના કેટલાક સભ્યો પણ મંદિરમાં આવ્યા હતા.
આ પણ વાંચો : વિરાટ અને અનુષ્કાએ બે હાથ જોડીને શાષ્ટાંગ પ્રણામ કર્યા, વિડિયો વાયરલ થયો…
સિંહાચલમ દેવસ્થાનના ડેપ્યૂટી એક્ઝિક્યૂટિવ ઑફિસર એસ. રાધા તેમ જ અન્ય હોદ્દેદારોએ વિરાટ, વૉશિંગ્ટન અને અન્યોનું સ્વાગત કર્યું હતું. વિરાટે ખાસ કરીને કપ્પા (Kappa) સ્તંભની પૂજા કરી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા હતા.
વિરાટ તથા અન્યોએ ભગવાનના દર્શન કરી લીધા ત્યાર પછી વેદાચાર્યોએ વેદ મંત્રોચ્ચાર સાથે થોડી ધાર્મિક વિધિ કરી હતી અને પૂજા-પાઠના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિરાટ (Virat)ને સ્વામી વરી સેશા વસ્ત્રમથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને ભગવાનની સુંદર મૂર્તિ તેમ જ પ્રસાદ પણ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વિરાટ કોહલી ડોમેસ્ટિકને બદલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવાની પેરવીમાં છે?
વિરાટે થોડા સમય પહેલાં વૃંદાવન તથા હનુમાન ગઢીના મંદિરની પણ મુલાકાત લીધી હતી. ત્યારે પત્ની અનુષ્કા શર્મા તેની સાથે હતી.



