વિરાટનો કયો વીડિયો કર્ણાટક સરકારનું નિશાન બન્યો છે? બેંગલૂરુની દુર્ઘટના માટે દોષી ગણાવ્યો!

બેંગલૂરુઃ ચોથી જૂને બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ના પ્રથમ ચૅમ્પિયનપદની ઉજવણીના અવસરે થયેલી ધક્કામુક્કીના બનાવ સંબંધમાં નવો વળાંક આવ્યો છે. કર્ણાટક સરકારે રાજ્યની હાઈ કોર્ટમાં જમા કરાવેલા રિપોર્ટમાં આ દુર્ઘટના સંબંધમાં વિરાટ કોહલી અને આરસીબીના આગલી રાતના એક વીડિયોને દોષી ગણાવ્યો છે.
ત્રીજી જૂને અમદાવાદમાં આરસીબીએ પંજાબ કિંગ્સને ફાઇનલમાં છ રનથી હરાવીને 18 વર્ષના આઇપીએલના ઇતિહાસમાં પહેલી વાર વિજેતાપદ મેળવ્યું હતું. ત્યાર બાદ ચોથી જૂને અભૂતપૂર્વ ગેરવ્યવસ્થાને કારણે બેંગલૂરુમાં થયેલી નાસભાગ (STEMPEDE)માં 11 જણના જીવ ગયા હતા અને 50થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: રોહિત અને વિરાટ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમશે? બીસીસીઆઇએ ચાહકોને આપી દીધી મહત્ત્વની જાણકારી
કર્ણાટક સરકારે વડી અદાલતમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે આરસીબીએ ચોથી જૂને બેંગલૂરુમાં વિક્ટરી પરેડ કાઢવા શહેરની પોલીસ પાસે અગાઉથી કોઈ જ પરવાનગી નહોતી લીધી અને એમણે (આરસીબીએ) એક પછી એક ઇવેન્ટ રાખી હતી જેમાં ભાગદોડની કરુણ ઘટના બની હતી.
આરસીબીએ ચોથી જૂને સવારે 7.01 વાગ્યે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે વિધાનસભાથી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી વિક્ટરી પરેડ (VICTORY PARADE) કાઢવામાં આવશે જેમાં વિનામૂલ્યે એન્ટ્રી હશે. આરસીબી (RCB)ની આ પોસ્ટ સામે લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ, રાજ્ય સરકારે પોતાના રિપોર્ટમાં વિરાટ કોહલીના ત્રીજી જૂનના એક વીડિયોનો ઉલ્લેખ કર્યો છે જેમાં તે કહી રહ્યો હતો કે ` આ યાદગાર વિજયનો ખરો આનંદ હું આવતી કાલે (ચોથી જૂને) બેંગલૂરુ પહોંચીને અનુભવીશ, કારણકે ત્યારે હું આખા શહેર સાથે આ જીત સેલિબ્રેટ કરીશ.’
આ પણ વાંચો: વિરાટે નિવૃત્તિ વિશે મૌન તોડ્યું, ` દર ચાર દિવસે દાઢીને કલર કરવો પડે તો સમજી જવાનું કે…’
વિરાટના આ વીડિયોમાં એબી ડિવિલિયર્સ પણ હતો અને વિરાટ આરસીબીના આ ભૂતપૂર્વ ખેલાડી સાથે જીતનો જલસો માણી રહેલો તેમ જ રજત પાટીદારની કૅપ્ટન્સીની વાહ-વાહ પણ કરી રહેલો જોવા મળ્યો હતો.