સ્પોર્ટસ

વિરાટ આવતી કાલે મેદાન પર ઊતરશે એટલે અનોખો વર્લ્ડ રેકૉર્ડ તેના નામે લખાઈ જશે!

દુબઈઃ વિરાટ કોહલી આવતી કાલે (બપોરે 2.30 વાગ્યાથી) દુબઈમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચમાં રમવા મેદાન પર ઊતરશે એટલે ક્રિકેટજગતમાં તે નવો ઇતિહાસ સર્જશે તેમ જ મોટો વિશ્વવિક્રમ પોતાના નામે કરી લેશે.

Also read : Champions Trophy: ઇંગ્લેન્ડની ક્રિકેટમાં ધમાલ, બટલરે કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું

વાત એવી છે કે વિરાટ આવતી કાલે 300મી વન-ડે રમશે. એ સાથે તે 300 વન-ડે ઉપરાંત 100 ટેસ્ટ અને 100 ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમનારો દુનિયાનો પહેલો જ ખેલાડી બની જશે.

ગ્રૂપ `બી’માંથી ભારત અને ન્યૂ ઝીલૅન્ડ, બન્ને ટીમ સેમિ ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયા છે. એ જોતાં, રવિવારની તેમની વચ્ચેની મૅચ અનૌપચારિક બની રહેશે, પરંતુ પોતપોતાની સેમિ ફાઇનલ પહેલાં બન્ને ટીમને સારી મૅચ-પ્રૅક્ટિસ પણ થઈ કહેવાશે. ચોથી માર્ચની દુબઈ ખાતેની પ્રથમ સેમિ ફાઇનલમાં ભારત તો રમશે જ એ નક્કી થઈ ગયું છે.

વિરાટની વાત પર પાછા આવીએ તો તે અત્યાર સુધીમાં 123 ટેસ્ટ અને 125 ટી-20 ઇન્ટરનૅશનલ ઉપરાંત 299 વન-ડે રમ્યો છે. આજે તે રમશે તો એ તેની 300મી વન-ડે ઇન્ટરનૅશનલ કહેવાશે.

વિરાટ 2008માં શ્રીલંકા સામે કરીઅરની પહેલી વન-ડે રમ્યો હતો. 2010માં તેણે વન-ડે ટીમમાં સ્થાન મજબૂત કર્યું હતું અને ત્યાર પછી તેણે પાછળ વળીને જોયું નથી અને દરેક વર્ષે ટીમમાં સ્થાન વધુ સ્ટ્રૉન્ગ કર્યું હતું. 2013માં તેણે વન-ડેમાં પહેલી વાર સુકાન સંભાળ્યું હતું. 2017માં તે વાઇટ બૉલ ક્રિકેટમાં કૅપ્ટન તરીકે એમએસ ધોનીનો અનુગામી બન્યો હતો.

2011માં ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર વિરાટને એ પ્રથમ ટેસ્ટ સિરીઝ બાદ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો, પરંતુ 2011-’12ની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝથી તેણે પ્લેઇંગ ઇલેવનમાં ફરી જમાવટ કરી હતી. 2014-’15માં તે ભારતનો ટેસ્ટ-કૅપ્ટન બન્યો હતો અને ટેસ્ટના સુકાની તરીકેની કારકિર્દી તેણે પૂરી કરી ત્યારે તેની કૅપ્ટન્સી હેઠળની 68 ટેસ્ટમાંથી 40 ટેસ્ટમાં ભારત જીત્યું હોવાથી તે ભારતનો સૌથી સફળ ટેસ્ટ સુકાની બન્યો હતો.

Also read : શોકિંગઃ બ્રાઝિલમાં મેચ પહેલા આર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકોને ગોળી ધરબી દેવાઇ

વન-ડેમાં સૌથી ઝડપે 10,000 રન બનાવ્યા બાદ તાજેતરમાં જ તેણે સૌથી ઝડપે 14,000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. 299 વન-ડેમાં તેના નામે 14,085 રન છે જેમાં વિક્રમનજક 51 સદી સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button