કોહલીએ ગિલને ડાબા હાથથી ખેંચ્યો અને કહ્યું, `સાંભળ, હું શું કહું છું’

સિડનીઃ શુભમન ગિલ વન-ડે ટીમનો નવો કૅપ્ટન છે, પણ શનિવારે અહીં ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીની છેલ્લી વન-ડે દરમ્યાન જાણે વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાની કૅપ્ટન્સી સંભાળી રહ્યો હોય એવું લાગતું હતું. એટલું જ નહીં, ગિલને ભૂતપૂર્વ સુકાની રોહિત શર્માએ પણ અનુભવ પરથી ઘણું માર્ગદર્શન આપ્યું હતું અને 2025ની આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી રમનાર કેએલ રાહુલને લખનઊ સુપર જાયન્ટ્સનું સુકાન સંભાળવાનો પણ અનુભવ રહ્યો છે એટલે તેણે પણ ગિલ (Gill)ને થોડી સલાહ આપી હતી.
ભારતે શનિવારે 69 બૉલ બાકી રાખીને ઑસ્ટ્રેલિયાને નવ વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. રો-કો તરીકે ફેમસ રોહિત-કોહલીની જોડીએ 168 રનની અતૂટ ભાગીદારીથી ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો અને 0-3ના વાઇટવૉશથી બચાવી લીધા હતા. રોહિત શર્મા 121 રને અને વિરાટ કોહલી 74 રને અણનમ રહ્યા હતા.
આપણ વાચો: વિરાટ કોહલીથી લઈને સ્મૃતિ મંધાનાએ દેશવાસીઓને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ, જુઓ શું લખ્યું?
રોહિત હવે માર્ગદર્શકની ભૂમિકામાં
રોહિત શર્માએ મૅચ પછી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ` હું 2007ની સાલમાં ભારતીય ટીમમાં પહેલી વાર સામેલ થયો ત્યારે અને પછીથી કૅપ્ટન બન્યો ત્યારે મને ટીમના સિનિયર ખેલાડીઓ પાસેથી ઘણું માર્ગદર્શન મળતું હતું અને હવે વર્તમાન ટીમના યુવાન ખેલાડીઓને મારા અનુભવ પરથી શીખવવાનું કામ હું કરી રહ્યો છું.’
ગિલને નસીબનો સાથ નથી મળ્યો
વિરાટ કોહલી (Kohli) પણ રોહિત (Rohit) જેવા જ તબક્કામાં છે અને ગમે ત્યારે વન-ડે કારકિર્દીને પણ તિલાંજલી આપી શકે. ટેસ્ટ પછી હવે વન-ડેની પણ કૅપ્ટન્સી સંભાળી રહેલા શુભમન ગિલને નસીબ હમણાં સાથ નથી આપી રહ્યું. તે વન-ડેના કૅપ્ટન તરીકે પહેલી ત્રણેય મૅચમાં ટૉસ હાર્યો અને ત્રણેય મૅચમાં તે સારું પણ નહોતો રમી શક્યો.
તે ભારતનો કૅપ્ટન બન્યો છે ત્યારથી માંડીને અત્યાર સુધીમાં રમાયેલી 10માંથી ફક્ત એક મૅચમાં તે ટૉસ જીત્યો છે. ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેમાં તેના સ્કોર આ મુજબ હતાઃ 10 રન, નવ રન અને 24 રન.
આપણ વાચો: વિરાટ કોહલીના ભૂતપૂર્વ કૅપ્ટન મિથુન મન્હાસ બની રહ્યા છે બીસીસીઆઇના નવા પ્રમુખ…
કુલદીપને ઇલેવનમાં મોડો સમાવ્યો
કુલદીપ યાદવ હાલમાં ભારતનો સર્વશ્રેષ્ઠ લેફ્ટ-આર્મ સ્પિનર છે, પરંતુ તેને ઑસ્ટ્રેલિયા સામેની પહેલી બન્ને મૅચમાં નહોતો રમાડવામાં આવ્યો. સ્પિનર માટે ખૂબ કઠિન કહેવાય એવી પિચ પર પણ વિકેટો લેવાની ક્ષમતા ધરાવતા કુલદીપને છેક સિરીઝની અંતિમ મૅચમાં રમવા મળ્યું અને તેણે મિચલ સ્ટાર્કની લીધી હતી. કુલદીપના મુદ્દે ટીમ મૅનેજમેન્ટની ટીકા થઈ ચૂકી છે. ટીમ મૅનેજમેન્ટમાં કૅપ્ટન, કોચ, સિનિયર ખેલાડીઓનો સમાવેશ હોય છે.
કોહલી બોલતો ગયો, ગિલ સાંભળતો ગયો
હવે મૂળ વાત પર આવીએ તો શનિવારે સિડનીમાં ફીલ્ડિંગ દરમ્યાન એક તબક્કે કૅપ્ટન ગિલ ફીલ્ડિંગ ગોઠવીને પોતાના સ્થાન તરફ જઈ રહ્યો હતો ત્યારે કોહલીએ તેને ડાબા હાથથી તેનો ડાબો હાથ પકડીને પાછળની તરફ ખેંચ્યો હતો અને વિકેટકીપર કેએલ રાહુલ સાથેની ચર્ચામાં તેને પણ જોડાઈ જવા કહ્યું હતું.
` સાંભળ, હું શું કહું છું’ ગિલને એવું કોહલી કહેવા માગતો હતો. ગિલ ત્યારે ધ્યાનથી કોહલીની સલાહ સાંભળતો હતો. કોહલી જ બોલ્યા કરતો હતો અને ગિલે ભાગ્યે જ એક શબ્દ ઉચ્ચાર્યો હતો. આ ચર્ચા 10 સેક્નડ સુધી ચાલી હતી.
કૉમેન્ટેટરે બોલ્યા, ` કૅપ્ટન કા દર્જા શાયદ નહીં હો પર એક્સપિરિયન્સ હૈ. કોહલી, રોહિત કે રાહુલ હોય તેઓ ગિલને પોતાનું નૉલેજ શૅર કરી શકે. જોકે એમાંથી કઈ બાબતોનો અમલ કરવો એ ગિલ પર આધાર રાખે છે.’
કોહલીની ટિપ્સ ટીમને કામ લાગી
ફીલ્ડિંગ દરમ્યાન કોહલીએ ગિલ તેમ જ બીજા ખેલાડીઓને પુષ્કળ સલાહ આપી હતી અને એનું ટીમે સારું પરિણામ જોયું હતું. ઑસ્ટ્રેલિયાએ છેલ્લી સાત વિકેટ માત્ર 53 રનમાં ગુમાવી હતી. ગિલ ફીલ્ડિંગ દરમ્યાન કોહલી અને રોહિતની સલાહ સતત સાંભળતો રહ્યો હતો.



