ચેન્નઈ: વિરાટ કોહલીની ગણના વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ બૅટર્સમાં થાય છે. તેણે દુનિયાના દરેક મોટા ક્રિકેટ મેદાનો પર ઢગલો રન કર્યા છે. તે બાંગ્લાદેશ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણી અગાઉની ટેસ્ટ સિરીઝમાં (ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાં) નહોતો રમ્યો એટલે બધાને આશા હતી કે બાંગ્લાદેશ સામે તે પહેલા દાવથી જ ભરપૂર રન બનાવશે. જોકે એનાથી ઊલટું જ બન્યું. પ્રથમ દાવમાં છ રન અને બીજા દાવમાં 17 રન બનાવવાને કારણે તેના ચાહકોમાં નિરાશા વ્યાપી છે. જોકે હવે તેની વિકેટ બાબતમાં ચર્ચા થઈ રહી છે.
શુક્રવારે ચેપૉકના મેદાન પર કોહલીને સ્પિનર મેહદી હસન મિરાઝના બૉલમાં એલબીડબ્લ્યૂ આઉટ આપવામાં આવ્યો હતો. અમ્પાયર રિચર્ડ કેટલબરોએ એ નિર્ણય આપ્યો હતો.
કોહલી પૅવિલિયનમાં પાછા જતાં પહેલાં અટક્યો હતો અને શુભમન ગિલ સાથે વાતચીત કરી હતી અને રિવ્યૂ ન લેવાનો નિર્ણય લીધો હતો. મિરાઝના બૉલને કોહલી ઑન સાઇડ પર ફ્લિક કરવા ગયો અને બૉલ નીચો રહી જતાં તેના પૅડ પર લાગ્યો હતો. એને આધારે અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. જોકે રિપ્લે મુજબ અલ્ટ્રાએજ પર સ્પાઇક દેખાયું હતું. એનો અર્થ એ થયો કે બૉલ પહેલાં બૅટને અને એ પછી પૅડને લાગ્યો હતો. સૌથી મોટી નવાઈ તો એ વાતની છે કે વર્તમાન ક્રિકેટના સુપરસ્ટાર ખુદ કોહલીને પણ ખબર ન પડી કે બૉલ પહેલાં બૅટને અડ્યો હતો. જો કોહલીએ ડીઆરએસમાં રિવ્યૂ લીધી હોત તો બચી ગયો હોત.
કોહલીએ ગિલ સાથે ચર્ચા કરી હતી, પરંતુ ખુદ તે જ નહોતો કળી શક્યો કે બૉલ પહેલાં બૅટને લાગ્યો હતો.
કોહલી ભારત વતી ત્રણેય ફૉર્મેટમાં 100થી વધુ મૅચ રમનાર એકમાત્ર ખેલાડી છે. તેણે ટીમ ઇન્ડિયા વતી 2011ના વર્ષમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ભારતીય બૅટિંગ લાઇન-અપનો આધારસ્તંભ છે. ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લઈ લેનાર કોહલીએ અત્યાર સુધીમાં 114 ટેસ્ટમાં 8,871 રન બનાવ્યા છે જેમાં 29 સેન્ચુરી તથા 30 હાફ સેન્ચુરી સામેલ છે.