વિરાટે પ્રોપર્ટીના પાવર ઑફ ઍટર્ની આપ્યા છે કે માલિકીનો અધિકાર? મોટા ભાઈ વિકાસે કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ વિરાટ કોહલી 2025ની આઇપીએલ બાદ મેદાનથી દૂર રહ્યો છે અને ટી-20 બાદ હવે ટેસ્ટમાંથી પણ સંન્યાસ લઈ ચૂકેલા વિરાટે માત્ર વન-ડેમાં જ રમવાનું ચાલુ રાખ્યું છે અને એક તરફ સૌની નજર રવિવારે ઑસ્ટ્રેલિયામાં શરૂ થનારી વન-ડે સિરીઝમાં તેના પર્ફોર્મન્સ પર રહેશે.
ત્યારે બીજી બાજુ વિરાટે (Virat) તેના મોટા ભાઈ વિકાસ (Vikas) કોહલીને હરિયાણાના ગુરુગ્રામમાં 80 કરોડ રૂપિયાની પોતાની પ્રોપર્ટીની માલિકી આપી દીધી કે માત્ર જનરલ પાવર ઑફ ઍટર્ની (GPA) આપ્યા એની બે દિવસથી ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે વિકાસ કોહલીએ એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં નાના ભાઈ વિરાટે ગુરુગ્રામ (GURUGRAM)ની મિલકત તેના નામે કરી દીધી હોવાની અફવા પર સ્પષ્ટતા કરી દેતી પોસ્ટ (POST) સોશ્યલ મીડિયામાં મૂકી છે.

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંપૂર્ણ રિટાયરમેન્ટ લઈ લેવાની તૈયારીમાં છે એવી સંભાવના વચ્ચે કહેવાઈ રહ્યું છે કે વારંવાર પરિવાર સાથે લંડનના ઘરે રહેવા જતા રહેતા વિરાટે ગુરુગ્રામની પ્રોપર્ટી મોટા ભાઈના નામે કરી દીધી છે. જોકે એવી હકીકત બહાર આવી રહી છે કે વિરાટ કોહલીએ ગુરુગ્રામની પ્રોપર્ટી સાથે સંકળાયેલા માત્ર કાનૂની અધિકાર તેના મોટા ભાઈને સોંપ્યા છે, એ પ્રોપર્ટી મોટા ભાઈને નામે નથી કરી.
વિકાસ કોહલી ફેક ન્યૂઝ ફેલાવનારાઓથી ખફા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પરની ખાસ પોસ્ટમાં લખ્યું છે, ` આજકાલ તદ્દન ખોટી અને પાયાવિહોણી વાતો ફેલાવવામાં આવી રહી છે એ બાબતમાં મને કોઈ જ નવાઈ નથી લાગી. અમુક લોકો એટલા બધા ફુરસદમાં છે કે તેમની પાસે આવી બધી વાતો ફેલાવવા માટે પુષ્કળ સમય હોય છે. તમને બધાને મારી શુભકામના.’
વિરાટ કોહલી પત્ની અનુષ્કા તેમ જ પુત્રી વામિકા અને પુત્ર અકાય સાથે મોટા ભાગે લંડનમાં રહે છે. ત્યાં તે મુક્ત મનથી બજારોમાં ફરી શકે છે અને ત્યાં તેને પરિવારની સલામતી બાબતમાં પણ કોઈ ચિંતા નથી હોતી. વિરાટે આલીશાન બંગલા સહિતની કુલ અંદાજે 80 કરોડ રૂપિયાની પ્રોપર્ટી સાથે સંકળાયેલા કાનૂની અધિકારો મોટા ભાઈને સોંપ્યા છે. જનરલ પાવર ઑફ ઍટર્ની (જીપીએ) એવો દસ્તાવેજ છે જે મારફત કોઈ વ્યક્તિ (સરકારી કામકાજમાં કે કાનૂની નિર્ણયો લેવામાં) પોતાના કાનૂની અધિકારો અન્ય વ્યક્તિને આપે છે. વિરાટે આવા અધિકારો મોટા ભાઈ વિકાસને આપ્યા હોવાનું મનાય છે.