વિરાટને ઇંગ્લૅન્ડના પ્રવાસ સુધી નિવૃત્તિ ન લેવા સમજાવાઈ રહ્યો છે…
બોર્ડના અધિકારીના મતે કિંગ કોહલી હજી ફુલ્લી ફિટ છે અને પુષ્કળ રન બનાવવા તત્પર છે

મુંબઈઃ 2024માં ભારતને ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી અપાવ્યા પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત જાહેર કરી દીધી એમ હવે ટેસ્ટ-ક્રિકેટમાંથી રોહિત શર્માએ થોડા દિવસ પહેલાં રિટાયરમેન્ટ જાહેર કરી દીધું એને પગલે હવે વિરાટ કોહલી (VIRAT Kohli) પણ ટેસ્ટ છોડી દેવા માગે છે અને એ વિચાર તેણે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) સમક્ષ વ્યક્ત કરી દીધો છે.
જોકે બીસીસીઆઇના મોવડીઓ ઇચ્છે છે કે ઇંગ્લૅન્ડ (ENGLAND) ખાતેનો ટીમ ઇન્ડિયાનો પાંચ મૅચની ટેસ્ટ શ્રેણીનો સમય બહુ દૂર નથી એટલે કોહલીએ એ સિરીઝ પૂરી થાય ત્યાં સુધી ટેસ્ટમાં રમવાનું ન છોડવું જોઈએ. બીજું, બોર્ડને એક વરિષ્ઠ અધિકારી માને છે કે વિરાટ કોહલી હજી ફુલ્લી ફિટ છે તેમ જ તેનામાં પુષ્કળ રન કરવાની ભૂખ છે તેમ જ જીતવાનો જુસ્સો પણ તેનામાં છે.’ અધિકારીનું એવું પણ માનવું છે કેકોહલી ડ્રેસિંગ-રૂમમાં હોય તો સમગ્ર ટીમનો જુસ્સો બુલંદ રહે.’ આ કારણોસર જ ક્રિકેટ બોર્ડ તેને હમણાં નિવૃત્તિ ન લેવા સમજાવી રહ્યું છે.શનિવારે કોહલીની ટેસ્ટ-નિવૃત્તિના વિચારને લગતો અહેવાલ વાઇરલ થયો હતો અને તેના ચાહકો ચોંકી ગયા હતા.
ક્રિકેટ બોર્ડ કોહલીને કૅપ્ટન્સી આપવા માગતું હતું:
પીટીઆઇના અહેવાલ મુજબ રોહિત શર્માએ ટેસ્ટ-ક્રિકેટ રમવાનું જ છોડી દીધું એને પગલે હવે કૅપ્ટનપદે તેના અનુગામીની શોધ ચાલી રહી છે. સિલેક્ટરો શુભમન ગિલ પર કળશ ઢોળશે એવું મનાય છે, પરંતુ ઇંગ્લૅન્ડ જેવી મહત્ત્વની ટૂરમાં ગિલ પર નેતૃત્વનો બોજ નાખવો એને બદલે એ પ્રવાસમાં કોહલીને ફરી સુકાન સંભાળવાનું કહેવા બોર્ડ વિચારી રહ્યું હતું કે જેથી ગિલ તેના હાથ નીચે નેતૃત્વને લગતી તાલીમ લઈ લે. જોકે કોહલીને એ વિનંતી કરાય એ પહેલાં તેણે નિવૃત્તિનો વિચાર વ્યક્ત કરી દીધો છે.
ગિલ કૅપ્ટન, પંત વાઇસ-કૅપ્ટન?
ઇંગ્લૅન્ડમાં ભારતની પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી 20મી જૂને શરૂ થશે અને એ માટે થોડા દિવસમાં ટીમ તથા કૅપ્ટનના નામની જાહેરાત કરવામાં આવશે. એવું મનાય છે કે જસપ્રીત બુમરાહ વારંવાર ઈજા પામતો હોવાથી અને તેના પર બોલિંગનો વર્કલૉડ પણ રહેતો હોવાથી તેના પર નેતૃત્વનો બોજ નાખવો એને બદલે ગિલને કે બીજા કોઈને કૅપ્ટન્સીની જવાબદારી સોંપવી એવું ક્રિકેટ બોર્ડનું તથા સિલેક્ટરોનું માનવું છે. પીટીઆઇના અહેવાલ મુજબ કદાચ ગિલને કૅપ્ટન્સી સોંપાશે અને વિકેટકીપર રિષભ પંતને તેનો ઉપ-કપ્તાન બનાવવામાં આવશે.