પોતાની ગેમ નહીં આ કારણે કાલે ચર્ચામાં આવ્યો કિંગ કોહલી…
ટીમ ઈન્ડિયાનો એક્સ કેપ્ટન અને સ્ટાર પ્લેયર વિરાટ કોહલી કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ રહે છે અને તેની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતી જ હોય છે. પરંતુ ગઈકાલે વિરાટ કોહલી તેણે ખાધેલી વાનગીને કારણે વાઈરલ થઈ ગયો હતો. ગઈકાલે કોહલીએ ઈન્સ્ટા સ્ટોરી પર એક વાનગીનો ફોટો શેર કર્યો હતો અને એ ફોટો જોઈને તેના ફેન્સ એકદમ ગૂંચવાઈ ગયા હતા.
હવે તમને થશે ને કે ભાઈ આખો મામલો શું છે અને વિરાટ કોહલીએ એવું તે શું કર્યું કે તેના ફેન્સ ગૂંચવાઈ ગયા? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ- વાત જાણે એમ છે કે વિરાટ કોહલી ખાસ્સા એવા લાંબા સમયથી શાકાહારી ડાયેટ ફોલો કરે છે, પણ તેણે જે ફોટો ગઈકાલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો તે જોતા એવું લાગી રહ્યું છે કે તેણે ચિકન ટિક્કા ખાધું છે. કોહલીનો આ ફોટો જોઈને ફેન્સ એકદમ બેચેન થઈ ગયા છે. જોકે, બાદમાં કોહલીએ આ વાનગી અંગે સ્પષ્ટતા કરી હતી.
કોહલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોક ચિકન ટિક્કા ખાતો ફોટો શેર કર્યો છે અને વિગન ચિકન ટિક્કાના પેટ ભરીને વખાણ કર્યા છે. પરંતુ પહેલી નજરે તો ફેન્સ આ ફોટો જોઈને થોડા નારાજ થઈ ગયા હતા અને ગૂંચવાઈ ગયા હતા.
અહીંયા તમારી જાણ માટે કે મોક ચિકન ટિક્કામાં ચિકન નથી હોતું, પરંતુ એનો સ્વાદ એકદમ ચિકન જેવો જ હોય છે. મોક ચિકન ટિક્કા સોયા પ્રોટિન, ઘઉં ગ્લુટેન, બનાવટવાળી વનસ્પતિ પ્રોટિન અને મટર પ્રોટીન જેવી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. 2021માં જ એક પોસ્ટ કરીને વિરાટ કોહલીએ પોતે વીગન બની ગયો હોવાનું જણાવ્યું હતું. કોહલી નોનવેજ નથી ખાતો અને આ જ કારણ છે કે કોહલીએ પોસ્ટ કરેલા ફોટોને જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા કે શું ખરેખર કોહલીએ ફરી વખત નોનવેજ ખાવાનું શરુ કરી દીધું છે કે કેમ?
હાલમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. પહેલાં ટીમ ઈન્ડિયા ટી-20 અને વનડે સિરીઝ રમશે અને ત્યાર બાદ બે ટેસ્ટ મેચની સિરીઝ રમવામાં આવશે. કોહલી અને રોહિત શર્માએ હાલમાં ટી-20 અને વનડે સિરીઝમાંથી બ્રેક લીધો છે. ટેસ્ટ સિરીઝમાં બંને દિગ્ગજ ખેલાડીઓ પાછા ફરશે. અહીંયા તમારી જાણ માટે 26મી ડિસેમ્બરના ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમાશે.