વડોદરા ઍરપોર્ટની બહાર કોહલીને ચાહકોએ એવો ઘેરી લીધો કે તે મહા મહેનતે કાર સુધી પહોંચી શક્યો

વડોદરાઃ અહીં રવિવાર, 11મી જાન્યુઆરીએ (બપોરે 1.30 વાગ્યાથી) ન્યૂ ઝીલૅન્ડ સામે રમાનારી સિરીઝની પ્રથમ વન-ડે માટે બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી (Virat Kohli) બુધવારે વડોદરા (Vadodara) આવી પહોંચ્યો એ પહેલાંથી જ તેના અસંખ્ય ચાહકો (Fans) ઍરપોર્ટની બહાર ઊમટી પડ્યા હતા અને કોહલી બહાર આવતાં તેને એવા ઘેરી વળ્યા હતા કે પોતાના માટે ઊભી રાખવામાં આવેલી કાર સુધી તે મહા મહેનતે પહોંચી શક્યો હતો. કોહલીની સલામતી માટે તેની આસપાસ ઊભેલા રક્ષકોએ ક્રિકેટપ્રેમીઓને કોહલીથી દૂર રાખવા ભારે મહેનત કરવી પડી હતી.
ટી-20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લેનાર કોહલી વન-ડેમાં બહુ સારા ફૉર્મમાં છે અને તેનું એ ફૉર્મ તાજેતરમાં વિજય હઝારે ટ્રોફીમાં પણ જોવા મળ્યું જેમાં તેણે દિલ્હી વતી એક મૅચમાં સેન્ચુરી અને બીજી મૅચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. કરોડો ચાહકો તેને રવિવારે શ્રેણીની પ્રથમ મૅચમાં રમતો જોવા આતુર છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં 35,000 જેટલા લોકો બેસી શકે એટલી સીટ છે અને રવિવારની મૅચની ટિકિટો તરત જ વેચાઈ ગઈ હતી.
#WATCH | Gujarat: Former Indian Captain and Star Cricketer Virat Kohli arrives at Vadodara for Team India's ODI match against New Zealand on 11th January. pic.twitter.com/cQbhCghMZy
— ANI (@ANI) January 7, 2026
આ પણ વાંચો : વિરાટ કોહલીએ યશસ્વી જયસ્વાલની હેરસ્ટાઈલની કરી મજાક, જુઓ વાયરલ વીડિયો
કોહલી બુધવારે ઍરપોર્ટની બહાર આવતાં જ લોકો ` કોહલી…કોહલી…’ની બૂમો પાડવા લાગ્યા હતા. મોટા ભાગના લોકોએ તેની સાથે સેલ્ફી લેવા મોબાઇલ તૈયાર રાખ્યો હતો. લોકો તેની સાથે સેલ્ફી લેવા તેની નજીક આવવા પડાપડી કરવા લાગ્યા હતા અને એ ધમાચકડી વચ્ચે કોહલીની સલામતી વિશે તેમ જ ધસારાને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની શકે એ બાબતમાં ચિંતા જાગી હતી. ખુદ કોહલી ટેન્શનમાં જણાતો હતો. જોકે સદનસીબે કોઈ જ અનિચ્છનીય ઘટના નહોતી બની અને કોહલી હેમખેમ પોતાની કાર સુધી પહોંચી ગયો હતો.
ભૂતકાળમાં સચિન તેન્ડુલકર અને એમએસ ધોનીના ચાહકો જે રીતે મોટી સંખ્યામાં ઊમટી પડતા હતા એવું કોહલીના કિસ્સામાં વારંવાર જોવા મળ્યું છે અને એમાં બુધવારનો કિસ્સો લેટેસ્ટ હતો. કોહલી આ પહેલાં વડોદરામાં 2010ની સાલમાં (16 વર્ષ પહેલાં) વન-ડે રમ્યો હતો. ત્યારે તેની કરીઅરનો સૂર્ય હજી માંડ ઊગ્યો હતો, જ્યારે હાલમાં તે સંપૂર્ણ નિવૃત્તિની નજીક પહોંચી રહ્યો છે.



