વિરાટ મળ્યો `મિની કોહલી’ને, તસવીર-વીડિયો વાઇરલ થયા

વડોદરાઃ વિરાટ કોહલી પંદર વર્ષે ફરી વડોદરામાં વન-ડે મૅચ રમવા આવ્યો છે અને ચાર દિવસ પહેલાં તે ઍરપોર્ટ પર ઊતર્યો ત્યારે અસંખ્ય ચાહકોના ધસારામાં અટવાઈ ગયો એ જ તેની પ્રચંડ લોકપ્રિયતા બતાવે છે અને રવિવારની ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની પ્રથમ વન-ડે પહેલાંના પ્રૅક્ટિસ-સેશનમાં તેને અજબ અનુભવ થયો હતો.
કિંગ કોહલી પાસે ઑટોગ્રાફ અને ફોટોગ્રાફ માટે દોડી આવેલા ચાહકોમાં કેટલાક બાળ ચાહકો પણ હતા, જેમાંનો એક ફૅન એવો હતો જેનો ચહેરો અસ્સલ બાળપણના કોહલી જેવો હતો. નાનપણના કોહલીના હમશકલ (doppelganger) જ જોઈ લો.
ખુદ કોહલી તેને જોઈને હસી પડ્યો હતો. જાણે તેને બાળપણ (Childhood) યાદ આવી ગયું. તેણે હસતાં-હસતાં બધાને ઑટોગ્રાફ આપ્યા હતા. એ ક્ષણોની એક તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાં કોહલી બાળકોને ઑટોગ્રાફ આપી રહ્યો હતો ત્યારે તેની નજીક ઊભેલો એક બાળક અસ્સલ `બાળ-વિરાટ’ જેવો દેખાતો હતો.
આ પણ વાંચો : વિરાટ કોહલીના એરપોર્ટ લૂક કરતાં વધુ ચર્ચા થઈ રહી છે તેના સ્વેટરની, જાણો શું છે ખાસ…
મીડિયામાં કિંગ કોહલીના કેટલાક ડાઇ-હાર્ડ ચાહકોએ તક ઝડપી લીધી હતી અને મીડિયામાં તરત જ બાળપણના કોહલી સાથે આ બાળકની તસવીર બતાવીને સુંદર તુલના કરી હતી. એટલું જ નહીં, એ બાળકને તેમણે ` મિની કોહલી’ તરીકે પણ ઓળખાવી દીધો હતો.
વિરાટ કોહલી ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય છોડી ચૂક્યો છે અને હવે ભારત વતી માત્ર વન-ડે તેમ જ દર વર્ષે આઇપીએલની સીઝન જ રમે છે. લગભગ એક વર્ષથી તે ખૂબ રિલેક્સ મૂડમાં જોવા મળતો હોય છે.



