વિરાટ કોહલી પણ ટેસ્ટ માંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે! BCCIની ચિંતા વધી

મુંબઈ: IPL ખતમ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે (India’s tour of England) જવાની છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ યજમાન ઇંગ્લેન્ડની ટીમ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. એ પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી હતી, જેને કારણે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)એ નવા કેપ્ટનની શોધ શરુ કરી છે. એવામાં અહેવાલ છે કે ભારતનો દિગ્ગજ બેટર વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તૈયારી કરી (Virat Kohli retire from test cricket) રહ્યો છે. જેના કારણે BCCIની ચિંતા વધી છે, BCCI વિરાટને મનાવવા માટે પ્રયાસ કરી રહી છે.
એક અખબારી અહેવાલ મુજબ, વિરાટ કોહલીએ BCCI સમક્ષ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જોકે BCCIના વરિષ્ઠ અધિકારીઓએ તેમને ફરીથી વિચાર કરવા વિનંતી કરી છે.
સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું, “વિરાટે પોતાનું મન બનાવી લીધું છે અને બોર્ડને જાણ કરી છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ રહ્યો છે. BCCIએ તેને ફરીથી વિચાર કરવા વિનંતી કરી છે કારણ કે મહત્વપૂર્ણ ઈંગ્લેન્ડ પ્રવાસ નજીક છે. જો કે વિરાટે હજુ સુધી વિનંતી પાછી ખેંચી નથી.”
આ પણ વાંચો: ‘મેં RCB છોડવા વિષે વિચાર્યું હતું…’ વિરાટ કોહલીએ કર્યો ખુલાસો
ક્યારે થશે ટીમની જાહેરાત:
એક અહેવાલ મુજબ, BCCIના એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિને કોહલી સાથે બેઠક યોજવા અને તેને નિવૃત્તિ ન લેવા મનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત 23 મે (શુક્રવાર) ના રોજ થાય તેવી શક્યતા છે. સિલેક્ટર્સની બેઠક ક્યાં યોજાશે તે હજુ નક્કી થયું નથી. BCCIએ નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવાની યોજના બનાવી છે.
બેટિંગ ઓર્ડર નબળો પડશે:
આગામી મહિને ઈંગ્લેન્ડમાં રમાનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતીય ટીમ પસંદ કરવા સિલેક્ટર્સ આગામી દિવસોમાં મળવાના છે. જો કોહલી પોતાના નિર્ણય પર અડગ રહે છે, તો ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરમાં કેએલ રાહુલ સિવાય કોઈ અનુભવી બેટર નહીં બચે.
વિરાટ અને રોહિત બંને મળીને લગભગ 11 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કર્યું છે; કોહલીએ ડિસેમ્બર 2014 માં ટેસ્ટ કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યાર બાદ રોહિતે ફેબ્રુઆરી 2022 માં ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ સંભાળી હતી.
ભારતનો છેલ્લો ઇંગ્લેન્ડ પ્રવાસ:
ભારતીય ટીમે છેલ્લે 2021માં ટેસ્ટ સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, જે 2-2થી ડ્રો રહી હતી. જોકે, કોવિડ-19 પાનડેમિકને કારણે, તે પ્રવાસની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2022માં રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે સાત વિકેટથી જીત મેળવી હતી.
વિરાટ રેકોર્ડ બનાવવાની નજીક:
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનના આંકડાની નજીક છે. કોહલી આ સિદ્ધિથી માત્ર 770 રન દૂર છે. કોહલીએ અત્યાર સુધીમાં 121 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 46.85 ની સરેરાશથી 9,230 રન બનાવ્યા છે. કોહલીએ ટેસ્ટમાં 30 સદી અને 31 ફિફ્ટી ફટકારી છે.