વિરાટ કોહલીને નચાવી રહ્યા છે સ્પિનર્સ
પુણે: વિરાટ કોહલી પુણેની બીજી ટેસ્ટમાં પહેલા દાવમાં સદંતર ફ્લૉપ ગયો. તે માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો. ભારતીય ટીમનો દાવ માત્ર 156 રનમાં સમેટાઈ ગયો ન્યૂ ઝીલૅન્ડે 103 રનની સરસાઈ લીધી. ફરી કોહલીની વાત પર આવીએ તો તે પાછો સ્પિનરની જાળમાં ફસાયો અને વિકેટ ગુમાવી બેઠો.
એક તરફ ભારતના સ્પિનર્સ કિવી બૅટર્સને ભારે પડી રહ્યા છે ત્યાં બીજી બાજુ કોહલી કિવી સ્પિનરનો શિકાર થતો જાય છે. ભારતના પ્રથમ દાવમાં સાત વિકેટ લેનાર લેફ્ટ-આર્મ સ્પિનર મિચલ સૅન્ટનરના ફુલ ટૉસને કોહલી સમજી ન શક્યો અને અક્રોસ ધ લાઇન રમવાના પ્રયાસમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
કોહલીને એશિયાની પિચો પર ખૂબ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. 2021થી અત્યાર સુધીનો તેનો ટેસ્ટ-રેકૉર્ડ જોઈએ તો સ્પિન સામે તેનો પર્ફોર્મન્સ ખૂબ ખરાબ રહ્યો છે. 2021ની સાલથી અત્યાર સુધીમાં તે 21 વખત સ્પિનરના બૉલમાં વિકેટ ગુમાવી બેઠો છે. છેલ્લા થોડા વર્ષોમાં સ્પિન સામે કોહલી ખરાબ રમ્યો છે. તે બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં પણ આવું રમ્યો હતો. બીજા દાવમાં 70 રન પર હતો ત્યારે ઑફ-સ્પિનર ગ્લેન ફિલિપ્સે તેનો શિકાર કરી લીધો હતો.
આ પણ વાંચો : પુણેમાં બૅટર્સે વોશિંગ્ટન અને અશ્વિનની મહેનત પર પાણી ફેરવ્યું, જુઓ તો ખરા કોણે શું ઉકાળ્યું…
કોહલીને સૌથી વધુ મુશ્કેલી લેફ્ટ-આર્મ ઑર્થોડૉક્સ બોલિંગ સામે રમવામાં થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં તે 26માંથી 21 ઇનિંગ્સમાં સ્પિનરને વિકેટ આપી બેઠો છે. એમાં 10 વખત લેફ્ટ-આર્મ ઑર્થોડૉક્સે તેને આઉટ કર્યો છે. એવા બોલર સામે કોહલીની બૅટિંગ-ઍવરેજ ફક્ત 27.10ની છે.
ટી-20 વર્લ્ડ કપની 76 રનની ફાઇનલ-વિનિંગ ઇનિંગ્સ બાદ કોહલીની 10 ઇનિંગ્સના સ્કોર આ મુજબ રહ્યા છે: 24, 14, 20, 6, 17, 47, 29*, 0, 70 અને 1.
ઉલ્લેખનીય છે કે ટેસ્ટ-ક્રિકેટમાં કોહલી સૌથી વધુ જે ત્રણ બોલરની બોલિંગમાં આઉટ થયો છે એમાંથી બે સ્પિનર છે: જેમ્સ ઍન્ડરસન સામે સાત વખત આઉટ, નૅથન લાયન સામે સાત વખત આઉટ, મોઇન અલી સામે છ વખત આઉટ.